સુરત તા. 2: સુરતના પાંડેસરામાંથી એક મહિના અગાઉ ઝડપાયેલા 1401 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
ઘટનાની
વિગત એવી છે કે પાંડેસરાની ભીડભંજન સોસાયટીના ગાળા નં.278માં એસઓજી પોલીસે સુરત મનપાના
ફૂડ વિભાગને સાથે રાખી ગત 3 માર્ચે દરોડો પાડી 1401 કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો
ઝડપી પાડી તેના નમૂનાઓ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. દરમિયાન લેવામાં આવેલા પનીરના
સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેઇલ થયા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, પનીરમાં
મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેના બદલે બીટા-સિટોસ્ટેરોલ એટલે કે વેજીટેબલ ઓઈલ(પામોલીન
તેલ) મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ બાદ તંત્ર દ્વારા સંચાલક મહેશ
શર્મા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ
કે આરોપી મહેશ શર્મા પાસે એફએસએસઆઈનું લાયસન્સ તો હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈના
એડ્રેસ પર નોંધાયેલું હતું. આ લાયસન્સની આડમાં તે સુરતના પાંડેસરામાં ગેરકાયદે ફેક્ટરી
ધમધમાવતો હતો.