• શનિવાર, 04 એપ્રિલ, 2026

જસદણ પાલિકાના મહિલા સદસ્ય પર હુમલા મામલે સામસામે ગુનો નોંધાયો

શ્વાનની માથાકૂટ નિર્લજ્જ હુમલા સુધી પહોંચી : ઇંટના કટકા વડે મારમારી સદસ્યને નિર્વસ્ત્ર કરી નાખવાનો પ્રયાસ

જસદણ, તા.3: જસદણ નગરપાલિકાના મહિલા સદસ્યને શ્વાન બાબતે પાડોશીઓ સાથે ઝઘડો થયાના બનાવમાં સામસામે બંને પક્ષે નિર્લજ્જ હુમલા સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. મહિલા સદસ્યને ઈંટ વડે પાડોશીઓએ માર મારી નિર્વસ્ત્ર કરી નાખવાની કોશિશ કરાયાની ફરિયાદ નોંધાવી હતી જ્યારે સમાપક્ષે બે મહિલાઓને માર મારી આબરૂ લેવાના ઇરાદે નિર્લજ્જ હુમલો કરાયાની રાવ ઉઠતા પોલિસે બંને પક્ષે પાંચ મહિલા મળી કુલ સાત શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 

બનાવ અંગે જસદણના ચિતલીયા રોડ પર હરીનમન સોસાયટીમાં રહેતા નગરપાલિકામાં મહિલા સદસ્ય તેમજ બાંધકામ સમિતિના ચેરમેને આરોપી તરીકે પાડોશમાં રહેતા પરિવારનું નામ આપી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.1ના સાંજના સવા સાત વાગ્યાં આસપાસ તે ઘરે એકલા હતાં ત્યારે મકાનની ડેલીએ કોઈ વસ્તુ ભટકાવાનો અવાજ આવતા ઘરની બહાર ગયો તો ત્યાં પાડોશી દંપતી બહાર ઉભા હતા. પાડોશી મહિલાએ તેના હાથમાં રહેલી ઇંટનો ઘા કરતાં પગમા લાગ્યો હતો. દરમિયાન સામાવાળા બોલાચાલી-ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્રણેય શખસે સાથે મળી ટીશર્ટ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જયારે સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવતા મહિલાએ આરોપી તરીકે નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સહિતના શખસના નામ આપી જણાવ્યું કે, ગત તા.1ના સાંજે સાત વાગ્યે તેણી અને તેના પતિ માર્કેટમાંથી પાછા ઘરે આવતા હતા. ત્યારે મહિલા કોર્પોરેટર પાળેલું શ્વાન ભસવા લાગ્યું હતું. જેથી તેણીએ ઈટનો ટુકડો શ્વાન તરફ ફેકતા કોર્પોરેટર તેના ઘરમાંથી બહાર નીકળી ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં તેઓ અને તેમના નણંદ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક