• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

શ્રીલંકન સ્પિનર્સ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની અગ્નિ પરીક્ષા

આજથી શરૂ થતી બે મેચની ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમનું ઠઝઈ ફાઇનલનું ભાવી ઘડશે

ગોલ, તા.14 : ટીમ ઇન્ડિયાની શનિવારથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શ્રીલંકાના સ્પિનરો સામે અગ્નિ પરીક્ષા થશે. આ શ્રેણીનું પરિણામ કોચ ગૌતમ ગંભીર અને કપ્તાન શુભમન ગિલની ટીમ માટે ઘણું જ મહત્ત્વ ધરાવે છે. શ્રીલંકા વિરુદ્ધની બે મેચની શ્રેણી ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલનું ભાવી ઘડશે. આ ઉપરાંત કોચ ગંભીરના લાલ દડાના કોચની ભૂમિકાનું પણ ભવિષ્ય નક્કી કરશે. ગંભીરનાં માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયાએ સફેદ દડાના ક્રિકેટમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે, પણ લાલ દડાના ક્રિકેટની તસવીર ઘણી નિરાશાજનક છે. ન્યુઝીલેન્ડ અને દ. આફ્રિકા વિરુદ્ધની ઘરેલુ મેદાન પર મળેલી ક્લીન સ્વીપથી ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પહોંચવાની ભારતની રાહ ઘણી કઠિન બની ચૂકી છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમનો આ 600મો ટેસ્ટ બની રહેશે અને આ આંકડે પહોંચનાર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પછીની ત્રીજી ટીમ બનશે. મેચ શનિવારે સવારે 10-00 વાગ્યાથી શરૂ થશે.

ગોલનું મેદાન શ્રીલંકન સ્પિનર્સનો ગઢ છે. તેને ફતેહ કરવા આસાન કાર્ય બની રહેશે નહીં. આ મેદાન પર શનિવારથી પ્રથમ ટેસ્ટ રમાશે. શ્રીલંકાએ અહીં 1998થી 49 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં 27 મેચમાં જીત નોંધાવી છે. શ્રીલંકાના ગોલમાં દબદબા માટે તેના ચતુર સ્પિનરોની મોટી ભૂમિકા રહી છે. શ્રીલંકા હવે મુરલીધરન અને રંગાના હેરાથના સ્વર્ણિમ તબક્કાથી ઘણું આગળ નીકળી ગયું છે. હવે તેની પાસે પ્રભાત જયસૂર્યા અને રમેશ મેન્ડિસ જેવા સ્પિનર છે. જેમણે ગોલને પોતાનો કિલ્લો બનાવ્યો છે. આ સ્થિતિ ભારતીય બેટધરો માટે અનુકુળ બની રહેશે નહીં કારણ કે પાછલી બે ઘરેલુ શ્રેણીમાં કિવિઝ અને આફ્રિકન સ્પિનર્સની જાળમાં ભારતીય બેટધરો આબાદ ફસાયા હતા.

ટોચના ચાર ક્રમના બેટધર તરીકે કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડીક્કલ અને કેપ્તાન શુભમન ગિલ પાસેથી ટીમને મોટી ઇનિંગની આશા રહેશે. બે ઝડપી બોલર તરીકે મોહમ્મદ સિરાઝ સાથે પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળવાની સંભાવના છે. બીજી તરફ શ્રીલંકન ટીમ ઘરઆંગણાનો ફાયદો ઉઠાવી ભારત સામે શ્રેણી વિજયના લક્ષ્યાંક સાથે ઉતરશે. ડબ્લ્યૂટીસી ફાઇનલની રેસમાં બની રહેવા માટે ધનંજય ડિસિલ્વાની ટીમ પણ શ્રેણી જીતની જરૂર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક