ગોંડલ, તા.14 : ગોંડલ તાલુકાના કોલીથડ ગામે પ્રેમસંબંધમાં લગ્ન કરવાનો ઇનકાર કરી દેનાર શખસ દ્વારા ‘તારે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મરી જા’ તેવું કહીને હડધૂત કરવામાં આવતા મૂળ દાહોદની વતની યુવતીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. આ ગંભીર બનાવ અંગે મૃતકના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પ્રકરણમાં
યુવતીના પિતા મડિયાભાઈ પાંગડાભાઈ ભાભોરની ફરિયાદને પગલે ગોંડલ તાલુકા પોલીસે કોલીથડ
ગામે રહેતા રામ વિનુભાઈ ભરવાડ અને તેના પિતા વિનુભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મૃતક યુવતી અનિષાબેન ઉર્ફે હંસાબેન મડિયાભાઈ ભાભોર (ઉં.વ. 22) સાથે આરોપી રામ ભરવાડને
પ્રેમસંબંધ હોવા છતાં લગ્ન કરવાની ના પાડીને માનસિક ત્રાસ આપ્યો હતો, તેમજ સાઢુભાઈ
પ્રકાશ મેડા તથા તેમનાં પત્ની કાળીબેન સમક્ષ યુવતીને કાઢી મૂકી મરવા મજબૂર કરવા બદલ
પોલીસે એસસી/એસટી એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાની દુપ્રેરણાની કલમો હેઠળ કડક કાર્યવાહી
હાથ ધરી છે.