• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

આર્યવીર સેહવાગની સટાસટી : 143 બોલમાં 173 રન ફટકાર્યા

નવી દિલ્હી, તા.16: ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે પિતાની આક્રમક બાટિંગ શૈલીની ઝાંખી કરાવતા શાનદાર સદી ફટકારી છે. 2026-27ની વિનુ માંકડ ટ્રોફીમાં દિલ્હી અંડર-19 ટીમનું નેતૃત્વ સંભાળી રહેલા યુવા કેપ્ટન આર્યવીરે શુક્રવારે ચંદીગઢ અંડર-19 સામે રમાઈ રહેલા 73મા મુકાબલામાં 143 બોલમાં 19 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગાની મદદથી 173 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

 ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ માટે આર્યવીરે સાથી ઓપનર અર્ણવ બુગ્ગા સાથે ઇનિંગ્સની મજબૂત શરૂઆત કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 98 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત પાયો આપ્યો હતો. ત્યારબાદ એક છેડેથી નિયમિત અંતરે વિકેટો પડતી રહી હતી. આર્યવીરે એક છેડો મક્કમતાથી સાચવી રાખીને આક્રમક શોટ્સ રમવાનું ચાલુ રાખ્યું હતુ. 46મી ઓવરમાં જ્યારે દિલ્હીનો સ્કોર 268 રન હતો ત્યારે આર્યવીર પાંચમી વિકેટના રૂપ આઉટ થયો હતો. આર્યવીરે લાંબી ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્થિતિ સુધી પહોંચાડી દીધી હતી, પરંતુ તેઓ આઉટ થયા બાદ અંતિમ ઓવરોમાં બાકીના બેટ્સમેનો મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક