• મંગળવાર, 23 એપ્રિલ, 2024

શમી ઇજાને લીધે IPLની બહાર

ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો: T-20 વર્લ્ડ કપ પણ ગુમાવશે: ઇંગ્લેન્ડમાં સર્જરી કરવાશે

નવી દિલ્હી તા.22: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી ડાબા પગની પેનીની ઇજાને લીધે આઇપીએલની પૂરી સીઝનની બહાર થઇ ગયો છે. જૂનમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં પણ તે વાપસી કરી શકશે નહીં. શમી આ ઇજાની સર્જરી માટે ટૂંક સમયમાં ઇંગ્લેન્ડ જશે. આઇપીએલમાંથી શમીનું બહાર થવું ગુજરાત ટાઇટન્સ ટીમ માટે મોટો ફટકો છે. ટીમનો નવો કેપ્ટન શુભમન ગિલ છે. જ્યારે જૂનો સુકાની હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં શિફટ થયો છે.

વન ડે વર્લ્ડ કપ બાદથી શમી મેદાન બહાર છે. આ ઇજાને લીધે શમી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો પણ હિસ્સો બની શક્યો નથી. તેનો છેલ્લો મેચ નવેમ્બર-23માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધનો વર્લ્ડ કપનો ફાઇનલ હતો. શમીએ આઇપીએલ કેરિયરમાં 110 મેચમાં 127 વિકેટ લીધી છે.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે શમી પાસે હવે ઓપરેશન કરવવા સિવાયનો કોઇ વિકલ્પ નથી. તે ટૂંક સમયમાં સર્જરી માટે બ્રિટન જશે. તેનું લક્ષ્ય ઓકટોબર-નવેમ્બરમાં બાંગલાદેશ-ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરવાનું છે.

મોહમ્મદ શમીએ વિશ્વકપમાં કુલ 17 વિકેટ લીધી  હતી અને ટોચનો બોલર બન્યો હતો. વિશ્વકપમાં તેના નામે કુલ 55 વિકેટ છે અને ભારતનો સૌથી સફળ બોલર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક