નવી દિલ્હી તા.14: પાવર પ્લેમાં અનકેપ્ટડ પ્લેયર અભિષેક પોરેલની આતશી અર્ધસદી અને ડેથ ઓવર્સમાં ટ્રિસ્ટન સ્ટબ્સની વિસ્ફોટક અર્ધસદીની મદદથી લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધના મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 4 વિકેટે 208 રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. પોરેલે ઓપનિંગમાં આવીને 33 દડામાં પ ચોકકા અને 4 છકકાથી આકર્ષક પ8 રન કર્યાં હતા. જયારે સ્ટબ્સે આખરી ઓવરોમાં પાવર હિટિંગ કરીને ફકત 2પ દડામાં 3 ચોકકા અને 4 છકકાથી પ7 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હીનો આ આખરી લીગ મેચ છે અને લખનઉ સામે 209 રનનું વિજય લક્ષ્ય મુકયું છે.
લખનઉના કપ્તાન કેએલ રાહુલે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી. પહેલી ઓવરમાં જ ફટકાબાજ જેક ફ્રેઝર ઝીરોમાં નવા બોલર અરશદ ખાનનો શિકાર બન્યો હતો. આ પછી પોરેલ અને શે હોપ વચ્ચે બીજી વિકેટમાં 92 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. હોપ 27 દડામાં 3 ચોકકા-2 છકકાથી 38 રને આઉટ થયો હતો. કપ્તાન ઋષભ પંતે ફરી એકવાર 23 દડામાં પ ચોકકાથી 33 રનની ઝડપી ઇનિંગ રમી હતી. સ્ટબ્સના સાથમાં અક્ષર પટેલ 14 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 22 દડામાં પ0 રનનો ઝડપી ઉમેરો થયો હતો. લખનઉ તરફથી નવીન ઉલ હકને બે વિકેટ મળી હતી. અરશદ અને રવિએ 1-1 વિકેટ લીધી હતી.