• સોમવાર, 27 મે, 2024

પંજાબનો ઇરાદો રાજસ્થાનને આંચકો આપી પ્રોત્સાહક જીત

આજે ગુવાહાટીમાં IPLનો મેચ : RRના લોકલ બોય રિયાન પરાગના દેખાવ પર નજર

ગુવાહાટી, તા.14 : આઇપીએલમાં બુધવારે રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં પંજાબ કિંગ્સ પ્લેઓફના સમીકરણમાં વધુ ગૂંચ ઉભી કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. પંજાબની ટીમ પહેલેથી જ પ્લે ઓફની બહાર થઈ ચૂકી છે. તેની નજર રાજસ્થાન રોયલ્સને આંચકો આપી પ્રોત્સાહક જીત પર હશે. રાજસ્થાન રોયલ્સ 16 પોઇન્ટ પછી થંભી ગઈ છે. તેને સતત ત્રણ હાર મળી છે. હવે આવતીકાલનો મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમશે. અહીં આઇપીએલ-2024 સીઝનનો પહેલો મેચ રમાશે. આ મેદાન રાજસ્થાનનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. જ્યાં તેની આખરી બે લીગ મેચ રમવાના છે. જેમાંથી એક મેચની જીતથી તે પ્લેઓફમાં નિશ્ચિત બની જશે. જો કે સંજુ સેમસનની ટીમનું લક્ષ્ય અહીં બન્ને મેચ જીતી ટોચની બે ટીમમાં રહી પ્લે ઓફ પ્રવેશનું રહેશે. જેથી ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળે.

ખાસ વાત એ છે કે, રાજસ્થાન રોયલ્સનો ઇનફોર્મ યુવા બેટર રિયાન પરાગ ગુવાહાટીનો લોકલ હીરો છે. તેને ટીમ ઇન્ડિયાનો ભવિષ્યનો સિતારો માનવામાં આવે છે. તે ટીમ ઇન્ડિયાની જર્સી પહેરનારો પૂર્વોત્તરનો પહેલો ખેલાડી બનાવાની ક્ષમતા ધરાવે છે. રાજસ્થાન રોયલ્સે તેના પર 6 વર્ષ રોકાણ કર્યું હતું જેનું ફળ હવે મળી રહ્યંy છે. રિયાન પરાગ વર્તમાન સીઝનમાં આરઆર માટે હુકમનો એક્કો બન્યો છે. તેણે 1પ3ની સ્ટ્રાઇક રેટથી 483 રન કર્યા છે. તે કપ્તાન સેમસન અને ઓપનર યશસ્વી જયસ્વાલની બેટિંગ રાજસ્થાન માટે મહત્ત્વની બની રહેશે કારણ કે જોસ બટલર ઇંગ્લેન્ડ પરત ફરી ચૂક્યો છે. રાજસ્થાનને આ પછી કેકેઆર સામે રમવાનો છે. જે પંજાબથી વધુ કઠિન ટીમ છે. બોલિંગમાં ચહલ, અશ્વિન અને આવશે રાજસ્થાન માટે એક્સ ફેક્ટર બની રહેશે.

પંજાબ કિંગ્સ પોઇન્ટ ટેબલ પર તળિયે છે. તેની પાસે 12 મેચમાં 4 જીતથી 8 અંક છે. શશાંક સિંહ સિવાયના આ ટીમના કોઈ બેટધરમાં નિરંતરતા જોવા મળી નથી. જોની બેયરસ્ટો એક સદીના ચમકારા સિવાય ઝળક્યો નથી. બોલિંગમાં હર્ષલ પટેલ અને અર્શદીપ પર પંજાબનો મદાર રહેશે. નિયમિત કપ્તાન શિખર ધવનની વાપસીના કોઈ રિપોર્ટ નથી. સેમ કરન ઇન્ચાર્જ કેપ્ટનશિપના ચક્કરમાં તેનું ઓલરાઉન્ડ પ્રદર્શન ભૂલી રહ્યો છે.

રાજસ્થાન અને પંજાબ વચ્ચે 27 મેચની ટક્કર થઈ છે. જેમાં રાજસ્થાનનો 16 મેચમાં અને પંજાબનો 11 મેચમાં વિજય થયો છે. પાછલા પ મેચમાં રાજસ્થાનના પક્ષમાં 4 મેચ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક