• શનિવાર, 27 જુલાઈ, 2024

આજે નાઇટ રાઈડર્સ અને સનરાઇઝર્સ વચ્ચે ખિતાબી જંગ

ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે મુકાબલો : કેકેઆર ત્રીજી વખત અને હૈદરાબાદ બીજી વખત આઇપીએલ ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી, તા. 25 : આઇપીએલ 2024નો ખિતાબી જંગ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રવિવારે થવાનો છે. 17મી સિઝનનો ફાઇનલ મેચ 26મી મેના રોજ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શ્રેયસ અય્યરનાં નેતૃત્વની કેકેઆરએ પહેલાં ક્વોલિફાયરમાં એસઆરએચને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી જ્યારે પેટ કમિંસની કેપ્ટનશિપની એસઆરએચએ ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવીને ફાઇનલની ટિકિટ લીધી હતી.

આઇપીએલમા કેકેઆરનું પલડું હૈદરાબાદ સામે ભારે રહ્યું છે. કેકેઆરએ અત્યારસુધીમાં બે વખત ટ્રોફી જીતી છે. કેકેઆરએ અંતિમ ખિતાબી મુકાબલો 2021માં રમ્યો હતો ત્યારે ચેન્નઈ સામે 27 રને હારનો સામનો કરવો પડયો હતો. કોલકાતાએ 2012 અને 2014માં ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટ્રોફી પોતાનાં નામે કરી હતી. ગંભીર હવે કેકેઆરનો મેન્ટોર છે અને ટીમ ખિતાબનો દુષ્કાળ દૂર કરવાની ફિરાકમાં છે. બીજી તરફ એસઆરએચ ત્રીજી વખત ફાઇનલમાં પોતાની કિસ્મત અજમાવશે. હૈદરાબાદે 2016મા એકમાત્ર ખિતાબ જીત્યો હતો. તે સમયે ડેવિડ વોર્નર કેપ્ટન હતો. હૈદરાબાદને 2018મા ફાઇનલમાં સીએસકેએ આઠ વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝનો તોફાની ઓલરાઉન્ડર સુનિલ નરેન કેકેઆર માટે ચાર આઇપીએલ ફાઇનલ રમનારો એકમાત્ર ખેલાડી છે. તે ગત ત્રણ સિઝનમાં કેકેઆરનો હિસ્સો હતો. નરેને વર્તમાન સિઝનમાં કમાલનું પ્રદર્શન કર્યું છે અને કેકેઆર માટે સૌથી વધારે રન કરનારો ખેલાડી છે. તેણે 14 મેચમાં 179.85ની સ્ટ્રાઇક રેટથી 482 રન કર્યા હતા અને ઓપનર તરીકે નોંધપાત્ર પ્રદર્શન કરી રહ્યો છે. કેકેઆર આઇપીએલ ફાઇનલમાં 200 રનના લક્ષ્યનો પીછો કરનારી પહેલી ટીમ હતી. જે અત્યારે પણ આઇપીએલ ફાઇનલનો સૌથી મોટો રનચેઝ છે.      

હૈદરાબાદે આઇપીએલમાં પહેલાથી જ તોફાની બેટિંગનું પ્રદર્શન કર્યું છે. ટ્રાવિસ હેડ, અભિષેક શર્મા, ક્લાસેન સહિતના બેટ્સમેનો તોફાની ઇનિંગથી જાણીતા થયા છે અને આ વખતે એસઆરએચએ આઇપીએલના હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો અને બાદમાં પોતાનો જ રેકોર્ડ ફરી તોડી નાખ્યો હતો. બીજી તરફ કોલકાતાની ટીમ પણ મજબૂત છે. સુનિલ નરેન, રસેલ, શ્રેયસ અય્યર સહિતના ખેલાડીઓ ફોર્મમાં છે. આ ઉપરાંત સ્ટાર્ક પણ હવે ફોર્મમાં પરત ફરતા ફાઇનલ મેચ રોમાંચક બનવાની પૂરી સંભાવના છે.

આઈપીએલ વિજેતા

વર્ષ                    વિજેતા                          રનર અપ

2008               રાજસ્થાન રોયલ્સ             ચેન્નઈ સુપર કિંગ્સ

2009               ડેકન ચાર્જર્સ                    રોયલ ચેલેન્જર્સ બેંગલોર

2010               ચેન્નઈ સુપર કિંગ્સ                        મુંબઈ ઇન્ડિયન્સ

2011               ચેન્નઈ સુપર કિંગ્સ                        રોયલ ચેલેન્જર્સ બેંગલોર

2012               કોલકાતા નાઇટ રાઇડર્સ      ચેન્નઈ સુપર કિંગ્સ

2013               મુંબઈ ઇન્ડિયન્સ               ચેન્નઈ સુપર કિંગ્સ

2014               કોલકાતા નાઇટ રાઇડર્સ      કિંગ્સ ઈલેવન પંજાબ

2015               મુંબઈ ઇન્ડિયન                 ચેન્નઈ સુપર કિંગ્સ

2016               સનરાઇઝર્સ હૈદરાબાદ        રોયલ ચેલેન્જર્સ બેંગલોર

2017               મુંબઈ ઇન્ડિયન્સ               પૂણે સુપર જાયન્ટ્સ

2018               ચેન્નઈ સુપર કિંગ્સ                        સનરાઇઝર્સ હૈદરાબાદ

2019               મુંબઈ ઇન્ડિયન્સ              ચેન્નઈ સુપર કિંગ્સ

2020               મુંબઈ ઈન્ડિયન્સ               દિલ્હી કેપિટલ્સ

2021               ચેન્નઈ સુપર કિંગ્સ                        કોલકાતા નાઇટ રાઇડર્સ

2022               ગુજરાત ટાઇટન્સ              રાજસ્થાન રોયલ્સ

2023               ચેન્નઈ સુપર કિંગ્સ                        ગુજરાત ટાઇટન્સ

 

 

સૌથી વધુ સિક્સર

ખેલાડી                       સિક્સ

અભિષેક શર્મા                  42

વિરાટ કોહલી                   38

હેનરીક ક્લાસેન    38

નિકોલસ પુરન                  36

રિયાન પરાગ                    33

રજત પાટિદાર                  33

ટ્રાવિસ હેડ                      32

સુનીલ નરેન                     32

શિવમ દુબે                      28

જેક ફ્રેઝર                        28

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024