લોકલ મજૂરોની મોટી અછત : ફરસાણના કારીગરોએ ભાવ વધાર્યા
નિલય
ઉપાધ્યાય
રાજકોટ,
તા.11 : વણેલા-ફાફડા ગાંઠિયા મૂળ સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રિય ફરસાણ આઇટેમ છે પણ હવે કાઠિયાવાડી
કંદોઇ ધંધામાંથી ખસતા જતા હોય હવે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના ફરસાણ બનાવનારાનો
દબદબો વધી ગયો છે. કેટલાક વિસ્તારમાં તો નેપાળના લોકો પણ ફરસાણ બનાવવા લાગ્યા છે! દશેરાનો
તહેવાર આવી જતા અત્યારે ફરસાણ ઉત્પાદકો અને
ડેરીવાળા ગાંઠિયા-ફરસાણ અને ખાસ કરીને જલેબીના નિવડેલા કારીગરની તંગી અનુભવી રહ્યા
છે. તંગીને લીધે અત્યારે કારીગરો મોં માગ્યા ભાવ આપવા છતાં જડવા મુશ્કેલ બની ગયા છે.
ફરસાણના
કારીગરો અત્યારે માસિક ધોરણે રૂપિયા 25થી 28 હજારનો પગાર મેળવે છે. જોકે દશેરાના દિવસે
પગાર કરતા રોજકામ કે કિલોદીઠ મજૂરીમાં કામ કરવામાં વધારે રસ હોય છે કારણકે એના ભાવ
વધારે સારાં મળે છે. દશેરાના દિવસ પૂરતા જલેબીના કારીગરો ય કરકરાં ભાવ લઇ રહ્યા છે.
યુનિવર્સિટી
રોડ પર નિલેષ ફરસાણના મયૂરભાઇ કહે છે, ફરસાણ-જલેબીના કારીગરોનું ખર્ચ વધી ગયું છે તે
હકીકત છે. ફાફડા સહિત નાનું મોટું ફરસાણ બનાવવાના મહિને રૂપિયા 25-28 હજાર થાય છે.
જોકે હવે કિલો લેખે પણ અનેક કારીગરો મજૂરી લેતા થઇ ગયા છે. એક કિલો બેસનની મજૂરી સાધારણ
ફરસાણમાં પણ 25-30 રૂપિયા થઇ ગઇ છે. એમાં ય ઉત્તમ ફાફડા બનાવતા હોય તેવા કારીગરો કિલોએ
રૂ.10 વધારે લ્યે છે. રજાના અને દશેરા જેવા ઉત્સવના દિવસોમાં કેટલાક કારીગરો દિવસમાં
60-70 કિલોનું ફરસાણ બનાવી કાઢે છે.
રૈયારોડ
પરના પ્રણામી ફરસાણના મનહર જોબનપુત્રા કહે છે, કારીગરોની ભારેખમ અછત છે. અત્યારે વધારે
પૈસા ચૂકવવા તૈયાર હોઇએ તો પણ માંડ કારીગરો મળે છે. પગાર પર કામકાજ કરતા ફરસાણ બનાવનારા
પણ વધારાની કલાકોમાં પ્રતિ કલાક રૂ. 1200 સુધીની માગ કરે છે.
તેમણે
કહ્યું કે, મોટો પ્રશ્ન કારીગરોની અછતનો છે કારણકે લોકલ ફરસાણ કારીગરો ધીરે ધીરે આ
ધંધામાંથી નીકળતા જાય છે. એની જગ્યાએ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના કારીગરો આવે
છે. કેટલાક વિસ્તારોમાં તો રાજકોટમાં નેપાળના લોકો પણ ગાંઠિયા વણતા કે ફાફડા બનાવતા
દેખાય છે. તેમણે કહ્યું કે, ગાઠિયાની ગુણવત્તા લોકલ કારીગરો જેવી ન બની શકે પણ હવે
કામકાજ ચલાવવું પડે છે. જોકે આવા કારીગરો ઘડાઇ જાય પછી સારું ઉત્પાદન કરી આપે છે. કેટલાક
કારીગરોને ફાફડા કે વણેલા ગાઠિયા બનાવતા કારીગર કાચા પાકા ગાઠિયા ઉતારી લે નહીં તે
શિખવવું જરા કપરું બને છે. લોકલ કારીગરોમાં એ સમસ્યા રહેતી નથી.
દશેરાને
લીધે મીઠાઇ અને ફરસાણની માગ વધવા લાગી છે. એ રીતે કારીગરોની કિંમત પણ વધી છે. જોકે
ઘરાકીને લીધે ઉત્પાદકો તે ચૂકવે પણ છે. મીઠાઇમાં અત્યારે રૂ. 300-800 સુધીની વેરાઇટી
વેચાય છે. ગાંઠિયાના રૂ. 300-500 સુધીના ભાવ શહેરના વિસ્તાર પ્રમાણે ચાલે છે. જલેબીની
રેન્જ રૂ. 200-550 સુધીની છે. જ્યારે ગળ્યા સાટા રૂ. 200-2500માં વેચાય છે.
ગુજરાતમાં
ખવાશે એક લાખ કિલો ફાફડા-જલેબી
અમદાવાદ,
તા.11: ગુજરાતમાં દશેરા નિમિત્તે જલેબી અને
ફાફડાની જયાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા અને જલેબીમાં કિલોએ સરેરાશ રૂ.100નો ભાવ વધારો જોવા મળી રહ્યો
છે. જેને લઇને રાજ્યમાં 450થી લઇને 650 રૂપિયા પ્રતિ કિલો ફાફડા અને 500 થી 700 રૂપિયા
પ્રતિ કિલો શુદ્ધ દેશી ઘીમાં જલેબી વેચાઇ રહી છે ત્યારે આ વર્ષે ગુજરાતીઓ 1 લાખ કિલોથી
વધુના ફાફડા જલેબી એક જ દિવસમાં આરોગ્ય તેઓ અંદાજ છે. ભાવની દૃષ્ટિએ જોઇએ તો આ વર્ષે
અંદાજે ગુજરાતીઓ પાંચ કરોડના ફાફડા જલેબી ઝાપટી જશે. ઘરાકીને પહોંચી વળવા દશેરાના બે
દિવસ પહેલાથી ઠેર ઠેર ફાફડા જલેબીના વિક્રેતાઓ દ્વારા કાઉન્ટરો લગાવવાના શરૂ કરી દેવામાં
આવ્યા છે.
મીઠાઈનો
ઉપાડ આજે વધશે: ભાવમાં વધારો
300થી
વધુ પ્રકારની મીઠાઈઓ : રૂ.560થી રૂ.1600 સુધીના ભાવ, સુગર ફ્રી મીઠાઈનું પણ ચલણ વધ્યું
રવિ
સરવૈયા
રાજકોટ,
તા.11 : નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ શનિવારે આસુરી શક્તિ ઉપર વિજયના
પર્વ વિજયાદશમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે.દશેરાએ અવનવી મીઠાઈ અને ફાફડા-જલેબી
આરોગવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. શહેરમાં મીઠાઈની દુકાનોમાં અવનવી મીઠાઈઓનું વેચાણ
શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે 300 પ્રકારની વેરાયટી જોવા મળે છે. જોકે મીઠાઈની મોજ થોડી
મોંઘી બની છે કેમ કે ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે. આમ છતાં રાજકોટીયન્સ ભાવવધારાને
ભૂલી હોંશે-હોંશે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
શિવ
શક્તિ ડેરી એન્ડ સ્વીટના જગદીશ અકબરીએ જણાવ્યુ કે આ વર્ષે દશેરામાં 300થી વધુ પ્રકારની
અવનવી મીઠાઈઓ ઉપલબ્ધ છે. જેમાં ચાલુ વર્ષે બ્લુબેરી ફેન્ટા, કાજુચોકો પાન, બ્લેક કરન્ટ
ચોકો બોલ, રાજાશાહી, કાજુ કેનબરી કટલેશ અને મેંગો ડિલાઈટ જેવી નવી મીઠાઈની ખૂબ માગ
રહેલી છે. આ ઉપરાંત દૂઘ અને ડ્રાયફ્રૂટની મીઠાઈની લોકો પસંદ કરી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે દૂધ, ડ્રાયફ્રૂટ સહિતના
કાચા માલમાં ભાવમાં વધારો થવાથી મીઠાઈના ભાવમાં 10 ટકાનો ભાવવધારો થયો છે. મીઠાઈનો
ભાવ રૂ. 560થી લઈ રૂ. 1600 સુધી છે. સુગર ફ્રી મીઠાઈનું ચલણ પણ વધી રહ્યું છે.સુગર
ફ્રી મીઠાઈના ભાવ અન્ય મીઠાઈ કરતા 20 ટકા મોંઘી હોય છે.
મોંધવારીના
કારણે મીઠાઈઓના ભાવ વધતા લોકો સસ્તી મીઠાઈ તરફ વળી ગયા છે. જેથી ક્વોલીટી મીઠાઈમાં
ઘરાકી ઓછી છે.આમ છતા દશેરાના દિવસે સારી ઘરાકી જોવા મળશે. દશેરા ઉપર લોકોમાં મિક્સ
મીઠાઈની ડિમાન્ડ વધુ રહે છે.જેથી બજારમાં મિક્સ મિઠાઈના તૈયાર બોક્સ મળી રહ્યા છે.
બોક્સનો એક કિલોનો ભાવ રૂ. 600-700 ચાલી રહ્યો છે.
કાચો
માલ મોંઘો થતા ફરસાણના ભાવ વધ્યા
બેસન,
કપાસિયા-પામતેલ અને બળતણ માટેનો ગેસ તથા કારીગરોની મજૂરીમાં વધારો થવાને લીધે ફરસાણ
અને મીઠાઇના ભાવમાં વધારો થયો છે. કિલોએ રૂ. 50-75નો ભાવવધારો થઇ ગયો છે. રાજકોટમાં વિવિધ ફરસાણનો ભાવ રૂ.
250થી 500 વચ્ચે ચાલે છે. ફરસાણમાં મોટેભાગે પામતેલ વપરાય છે પણ કપાસિયા તેલમાં ફરસાણ
તળવાવાળો વર્ગ પણ ઘણો વધારે છે. આ વર્ષે પણ તંત્ર દ્વારા ફરસાણના ભાવ કાબૂમાં રાખીને
દશેરાનું પર્વ સામાન્ય માણસ પણ ઉજવી શકે તેવી વ્યવસ્થા કરવા ઉત્પાદકોને કહેવાયું છે.
ફાફડાના
મશીન આવ્યા પણ હેન્ડમેડ જેવી મજા નથી
ફરસાણ
ઉત્પાદકોને ત્યાં ફાફડાની ઘરાકી છાસવારે વધી જાય છે. એ વખતે ફાફડા પાડવાનો સમય નથી
મળતો. વળી મહેનત પણ ઘટે તે માટે ઘણા ફરસાણવાળાએ ફાફડા મશીન વસાવી લીધાં છે. જોકે હેન્ડમેડ
જેવી મજા ગાઠિયા ખાનારને આવતી નથી તેમ ઉત્પાદકોએ કહ્યું હતું. ઘણા ફરસાણવાળાએ મશીનો
કાઢીને ફરીથી કારીગર પાસે કામકાજ કરાવવાનું શરૂ કર્યું છે.
ફાફડાના
મશીન આવ્યા પણ હેન્ડમેડ જેવી મજા નથી
ફરસાણ
ઉત્પાદકોને ત્યાં ફાફડાની ઘરાકી છાસવારે વધી જાય છે. એ વખતે ફાફડા પાડવાનો સમય નથી
મળતો. વળી મહેનત પણ ઘટે તે માટે ઘણા ફરસાણવાળાએ ફાફડા મશીન વસાવી લીધાં છે. જોકે હેન્ડમેડ
જેવી મજા ગાઠિયા ખાનારને આવતી નથી તેમ ઉત્પાદકોએ કહ્યું હતું. ઘણા ફરસાણવાળાએ મશીનો
કાઢીને ફરીથી કારીગર પાસે કામકાજ કરાવવાનું શરૂ કર્યું છે.