• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ઈરાનના પરમાણુ કેન્દ્રો પર ભીષણ સાયબર હુમલો

- દુનિયામાં ગભરાટ : ઈઝરાયલે મિસાઈલ હુમલાનો બદલો લીધાની આશંકા, પરમાણુ કેન્દ્રો સહિત મોટાભાગની જાહેર સેવાઓ ઝપટે, હુમલો થયાનો ઈરાનનો એકરાર

 

તેહરાન, તા.1ર : ઈઝરાયલ સાથે વ્યાપ્ત તણાવ વચ્ચે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર ભીષણ સાયબર હુમલો થયો છે. શનિવારે ઈરાનની ન્યૂક્લિયર સાઈટો સહિતને નિશાન બનાવી એક સાથે સાયબર એટેક થતાં ઈરાનની અનેક સેવાઓ ખોરવાઈ છે. એવી આશંકા છે કે ઈઝરાયલ પર ઈરાને કરેલા મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલની આ જવાબી કાર્યવાહી છે. રાજકીય અને વૈશ્વિક મજબૂરીને કારણે ઈઝરાયલ અત્યાર સુધી ઈરાન પર સીધો કાર્યવાહી કરી શકયું નથી.

ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સ્પેસના પુર્વ સચિવ ફિરોઝાબાદીએ કહ્યું કે ન્યાયપાલિકા, વિધાનસભા, કાર્યપાલિકા સહિત ઈરાનના લગભગ સરકારી કેન્દ્રો પર સાયબર એટેક થયો છે અને માહિતી તફડાવવામાં આવી છે. ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ફિરોઝાબાદએ કહ્યું કે અમારા પરમાણું કેન્દ્રો સાથે ઈંધણ વિતરણ, નગરપાલિકાની સેવાઓ, પરિવહન, બંદરો સહિત મહત્ત્વના તમામ નેટવર્ક પર સાયબર એટેક થયો છે.

આ પહેલા ઈઝરાયલે ધમકી આપી હતી કે ઈરાને તેના પર કરેલા મિસાઈલ હુમલાનો જરૂર જવાબ આપવામાં આવશે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે અમારી કાર્યવાહી વધુ ઘાતક અને આશ્ચર્યજનક હશે. ઈરાન પર ઈઝરાયલના સંભવિત હુમલાને પગલે સમગ્ર દુનિયામાં ગભરાટ ફેલાયો છે કારણ કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ મધ્યપૂર્વમાં મહાયુદ્ધની શરૂઆત કરાવી શકે છે.

---------------

ઈઝરાયલના મદદગાર અરબ દેશો ભોગવશે : ઈરાન

ઈરાને ઈઝરાયલના મદદગાર અરબ દેશો અને અમેરિકાના સહયોગીઓને ચેતવણી આપી છે કે તેઓ પરિણામ ભોગવશે. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર ઈરાને ડિપ્લોમેટિક ચેનલ દ્વારા અરબ દેશોને ધમકી આપી કહયું કે જો કોઈ પણ દેશે ઈઝરાયલને અમારા પર હુમલો કરવા મદદ કરી કે એરસ્પેસનો ઉપયોગ કરવા દીધો તો તેનું પરિણામ ભોગવવું પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક