ગુજરાત યુનિ.માં ફિઝિક્સ વિભાગના પ્રોફેસર ડો. જોશી સૌરાષ્ટ્ર યુનિ.ના જ પૂર્વ વિદ્યાર્થી છે : કમુહૂર્તા પછી સંભાળશે ચાર્જ
રાજકોટ,
તા. 9 (ફૂલછાબ ન્યૂઝ): છેલ્લા કેટલાક મહિનાઓથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિની
નિમણૂકની ઘડીઓ ગણાતી હતી. જોકે લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે એકાએક ગુજરાત સરકારના શિક્ષણ
વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ડો. ઉત્પલ શશીકાંત જોશીની
નિમણૂક કરાઈ છે. આમ, ત્રણ વર્ષ પછી ડો. જોશી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ
મળ્યા છે. તેઓ કમુહૂર્તા પછી ચાર્જ સંભાળશે.
ડો.
ઉત્પલ જોશી હાલ ગુજરાત યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ
બજાવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે સૌરાષ્ટ્ર
યુનિવર્સિટીમાંથી જ એમએસસી અને પીએચડીની પદવી મેળવી છે. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ
કોલેજમાં અને બાદમાં છેલ્લા બારેક વર્ષથી ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનમાં
પ્રાધ્યાપક તરીકે ફરજયુક્ત છે.
પ્રાપ્ત
વિગતો અનુસાર આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં સર્ચ કમિટી તરફથી ડો.
જોશીનું નામ રજૂ કરાયું હતું. અલબત્ત, એક તબક્કે વર્તમાન કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ
ડોડિયાનું નામ પણ આગળ હતું. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતકાળના વહીવટ અને આંતરિક
રાજકારણને ધ્યાને રાખતા સરકાર અહીંયા સાફ છબી ધરાવતા અને સૌરાષ્ટ્ર યુનિ.ના વર્તુળથી બહારના હોય એવા વ્યક્તિ મુકવા
માગતી હોવાનું વલણ આ નિર્ણય પરથી સ્પષ્ટ થયું છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ અને
નવી શિક્ષણ નીતિ મુજબ તેઓ પાંચ વર્ષ માટે આ પદ પર રહેશે.
આ પહેલા
તારીખ 6-2-2022ના રોજથી કાયમી કુલપતિ પદ પરથી પ્રો. નીતિન પેથાણીની ત્રણ વર્ષની મુદત
પૂરી થઈ ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યકારી કુલપતિના વહીવટ હેઠળ કાર્યરત હતી.