• બુધવાર, 16 જુલાઈ, 2025

ટ્રમ્પની ટેરિફ વોરથી ક્રિપ્ટો ક્રેશ, રૂપિયો રસાતળે

24 કલાકમાં દુનિયાની ટોચની ક્રિપ્ટો કરન્સીમાં પડયાં 500 અબજ ડોલરનાં ગાબડાં

નવીદિલ્હી, તા.3: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાબડતોબ કરેલા નિર્ણયો અને છેડેલા ટેરિફયુદ્ધથી માત્ર શેરબજાર, ચલણ, સોનું કે અન્ય અસ્કયામતો જ નહીં બલ્કે ક્રિપ્ટોકરન્સી બજારોમાં પણ મોટાં ગાબડાં પડયા છે. ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા છે. જેની પ્રચંડ અસર ક્રિપ્ટોકરન્સી બજારમાં જોવા મળી છે. ઇથેરિયમ, ડોગકોઇન, કાર્ડાનો, શીબા અને વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં પણ 3થી 20 ટકાનો સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં એકંદરે ક્રિપ્ટોકરન્સી બજાર 8 ટકાથી વધુ ઘટ્યું છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોને  ભારે નુકસાન થયું છે.

એક અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં અથવા તો કહો કે, ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી ક્રિપ્ટોમાં રોકાણકારોનાં 500 અબજ ડોલરનું ધોવાણ થઈ ગયું છે. કોઇન માર્કેટ કેપ ડેટા અનુસાર, ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 3.1 ટ્રિલિયન ડોલર છે, જે 8.07 ટકા નીચે છે. એક દિવસ પહેલા તે 3.6 ટ્રિલિયન ડોલર હતી. જો આ ઘટાડો ચાલુ રહેશે તો ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ કેપ 3 ટ્રિલિયન ડોલરથી નીચે આવી જશે તેવી આશંકા છે.

-           વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત છેલ્લા 24 કલાકમાં 4 ટકાથી વધુ ઘટીને 95,110.82 ડોલર થઈ ગઈ છે. કિંમત 3 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. 20 જાન્યુઆરીએ બિટકોઇનની કિંમત 109,114.88 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. ત્યારથી તેમાં 14,004.06 ડોલરનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

-           વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમની કિંમત છેલ્લા 24 કલાકમાં 16 ટકા ઘટી છે. પરિણામે, કિંમત 2600 ડોલરથી નીચે આવી ગઈ છે.

-           એક્સઆરપીની કિંમત છેલ્લા 24 કલાકમાં 15 ટકાથી વધુ ઘટી છે. છેલ્લા અઠવાડિયામાં, લગભગ 16 ટકાનો ઘટાડો થયો છે. તેની કિંમત ઘટીને 2.37 ડોલર થઈ ગઈ છે.

-           છેલ્લા 24 કલાકમાં બીએનબીના ભાવમાં લગભગ 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે કિંમત ઘટીને 575.99 ડોલર થઈ ગઈ છે.

-           છેલ્લા 24 કલાકમાં ડોગકોઇનની કિંમતમાં લગભગ 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયામાં કિંમતોમાં 19 ટકાથી વધુ ઘટાડો થયો છે, ભાવ ઘટીને 0.254 ડોલર થઈ ગયો છે.

-          કાર્ડાનોના ભાવમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અઠવાડિયામાં કિંમતોમાં 20 ટકાથી વધુ ઘટાડો થયો છે, જેના કારણે ભાવ ઘટીને 0.71 ડોલર થઈ ગયો છે.

-           છેલ્લા 24 કલાકમાં એવાલાંકની કિંમતમાં લગભગ 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કિંમતોમાં 24 ટકાથી વધુ ઘટાડો થયો છે, જેના કારણે કિંમત ઘટીને 25.25 ડોલર થઈ ગઈ છે.

-           શીબા ઇનુના ભાવમાં લગભગ 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, અઠવાડિયામાં કિંમતોમાં 18 ટકાથી વધુ ઘટાડો થયો છે.

 

ડોલર સામે પહેલીવાર રૂપિયો 87થી પણ નીચે

નવી દિલ્હી,તા.3: અમેરિકાએ શરૂ કરેલા વેપાર યુદ્ધનાં કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અફરાતફરી વચ્ચે આજે રૂપિયો 55 પૈસા તૂટીને 87.17 રૂપિયા પ્રતિ ડોલર પર આવી ગયો હતો. આમ, પ્રથમ વખત રૂપિયો ડોલર સામે 87ની નીચે આવી ગયો છે. ફોરેક્સ ડીલરોએ જણાવ્યું હતું કે ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી વ્યાપક વેપાર યુદ્ધના ભય વચ્ચે સ્થાનિક ચલણમાં ઘટાડો થયો છે. યુએસ ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો અને વ્યાપક વેપાર યુદ્ધના ભયને પગલે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. ઇન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ડોલર દીઠ 87.00 ની નીચી સપાટીએ ખૂલ્યો હતો અને સત્ર દરમિયાન ડોલર દીઠ 87.29ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સ્થાનિક ચલણ તેના અગાઉના બંધની તુલનામાં 55 પૈસાના ઘટાડા સાથે 87.17 (કામચલાઉ) ના સર્વકાલીન તળિયે બંધ થયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક