કોર્ટનો ચુકાદો સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં આવતા ગેરકાયદે 40 મકાન હટાવાયા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી
વેરાવળ, તા.22 : સોમનાથ મંદિર નજીક ત્રિવેણી સંગમ રોડ ઉપર ટ્રસ્ટની જમીન ઉપર 40 જેટલા પાકા મકાનોના દબાણો ખડકાયા હતા. જે મામલે કોર્ટનો ચુકાદો મંદિર ટ્રસ્ટની તરફેણમાં આવતા આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તમામ ગેરકાયદે બાંધકામો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર સામે આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસમી જમીન ઉપર કાચા પાકા મકાનોના દબાણો થયા હતા. આ જમીન સોમનાથ મંદિર ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1ની હોય જેમાં 40 જેટલા રહેણાંક મકાનોમાં 150 જેટલા લોકો વસવાટ કરતા હતા. આ મામલાનો કેસ વેરાવળ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપી વિવાદિત જગ્યા ખાલી કરી આપવા હુકમ કર્યો હતો. જેને લઈ નોટીસો આપવા છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી ન કરવામાં આવતા આજે કોર્ટ કમિશન દ્વારા આ જગ્યા ખાલી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજે વહેલી સવારે કોર્ટ કમિશનરની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વેરાવળ ડે. કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર શામળા, ચીફ ઓફિસર પાર્થિવ પરમાર તેમજ સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડા સહિત રેવન્યુ, પાલિકા અને ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે કાર્યવાહી દરમ્યાન કાયદો વ્યવસ્થાના સુચારુ અમલ માટે જિલ્લા પોલીસવડા મનોહરાસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 10 જેટલા પોલીસ અધિકારીઓ ઉપરાંત એલસીબી, એઓજી સહિત 100 જેટલા પોલીસ કર્મચારીઓનો જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
આ દબાણ હટાવ કાર્યવાહીના પ્રારંભે કોર્ટ કમિશનરની હાજરીમાં પોલીસ દ્વારા માઇક પર દબાણકારોને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી દેવા તાકીદ કરતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી ઘરવખરી સહિતનો સામાન ભરવાની કામગીરી હાથ કરી હતી. બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા.