• સોમવાર, 31 માર્ચ, 2025

સમુદ્રમાં ગરકાવ દ્વારકાના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રયાસ

પુરાતત્ત્વવિદોની ટીમો દ્વારા દ્વારકાના દરિયાઈ ક્ષેત્રમાં ચાલતું ત્રિસ્તરીય સંશોધન કાર્ય

 

દ્વારકા, તા. 27: દ્વારકા એ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્ત્વીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું હોઈ પુરાતત્ત્વવિદ અને ઈતિહાસકારો દ્વારા એક સદીથી વધુ સમયથી આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે, એમ દ્વારકા ખાતે આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિભાગના વડા આલોક ત્રિપાઠી દ્વારા હાલમાં ચાલી રહેલા સંશોધન કાર્યની માહિતી આપતા જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે આર્કોલોજી વિભાગ દ્વારા આ પહેલા વર્ષ 1979માં સંશોધન કાર્યની શરૂઆત કરાઈ હતી. જે બાદમાં 2005થી 2007 સુધી લેન્ડ વોટર અને સબંધિત વિભાગમાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે વિભાગ દ્વારા 2 નોટીકલ માઈલ બાય 1 નોટીકલ માઈલ જેટલા વિશાળ વિસ્તારમાં સર્વે હાથ ધરેલ પરંતુ મર્યાદિત સમય અને સંશાધનને કારણે પ0 મીટર બાય 50 મીટરના ઓબજેક્ટિવ અને લિમિટેડ વિસ્તારમાં જ ખોદકામ કરાયું હતં.

હવે સરકાર દ્વારા સમગ્ર દ્વારકા તથા બેટ દ્વારકા વિસ્તારમાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યુ હોવાથી આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા દ્વારા અન્ડરવોટર આર્કોલોજીકલ વિંગની રચના કરાઈ છે. જેમાં આર્કોલોજીકલ વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં નવા સર્વે અને આર્કોલોજીકલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે જેનો ઉદ્દેશ્ય આ વિસ્તારના ઐતિહાસિક મહત્વને વિશ્વફલક પર ઉજાગર કરવાનો રહેશે.

 પ્રથમ ફેઈઝમાં ગોમતી નદીના મુખ પાસે થોડા સમય પહેલા અને હાલમાં પણ ડાઈવિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. હાલમાં ત્રણ ટીમો જેમાં બે ટીમ બેટ દ્વારકા અને એક ટીમ દ્વારકામાં કાર્યકત કરવામાં આવી છે અને હાલમાં આર્કોલોજી વિભાગ દ્વારા નવા મેમ્બર્સને ટ્રેનિંગ સાથે ભરતી કરવામાં આવનાર છે જેમના દ્વારા આ સમગ્ર ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં દ્વારકા પંથકમાં સઘન અધ્યયન અને સંશોધનકાર્ય હાથ ધરી નવા સંસ્કરણો સાથે નવી માહિતી વિશ્વફલક પર ઉપલબ્ધ કરાશે.

 સરકારનું આગામી આયોજન આ સમગ્ર વિસ્તારમાં સિસ્ટેમેટીકલી સંશોધનકાર્ય હાથ ધરવાનું હોય ટૂંક સમયમાં જ આ સંશોધનકાર્ય ના સફળ પરિણામો જોવા મળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સરકારના ભવિષ્યના પ્રોજેક્ટમાં સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકાને નિહાળી શકાય તેવી અન્ડર વોટર વ્યુઇંગ ગેલેરીની ભેટ આપવાની જાહેરાત કરાયા બાદ હાલના આ સંશોધન કાર્યથી સરકારના આ મહાત્ત્વાકાંક્ષી પ્રોજેકટના સર્વેક્ષણ બાદ અમલીકરણમાં પણ ઉપયોગી સાબિત થશે તેમ જાણકારોનું માનવું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક