દેશભક્તિ
ફિલ્મોના સર્જક મનોજકુમારનું 87 વર્ષે મુંબઈમાં સારવાર હેઠળ નિધન
આજે
અંતિમ સંસ્કાર, દેશભરમાં શોકનું મોજું, વિવિધ શ્રેત્રનાં અગ્રણીઓની શ્રદ્ધાંજલિ
મુંબઈ
તા.4 : દેશપ્રેમને રુપેરી પડદે બખૂબી પ્રસ્તુત કરનારા બોલીવૂડ સ્ટાર મનોજકુમારનું
87 વર્ષની ઉંમરે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતાં દેશભરમાં ઘેરો
શોક છવાયો છે.
પૂરબ
ઔર પશ્ચિમ, ઉપકાર, શહીદ, ક્રાંતિ જેવી ફિલ્મોથી દેશભક્તિનો જુવાળ સર્જનાર અભિનેતા-નિર્દેશક
મનોજ કુમારને ભારત કુમાર તરીકે ખ્યાતિ મળી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામી-અનામી કલાકારો
તથા રાજકીય, ઉદ્યોગજગત સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સામાન્યજને પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી. ધર્મેન્દ્ર, પ્રેમ ચોપડા, પૂનમ ધિલ્લોન, રવિના ટંડન સહિતનાએ તેમના નિવાસ
સ્થાને દોડી ગયા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા
સંદેશથી શોક વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વૃદ્ધાવસ્થાને
લગતી સમસ્યાઓ-બીમારી સામે તેઓ લાંબા સમયથી ઝઝૂમી રહયા હતા. 4 એપ્રિલને શુક્રવારે વહેલી
સવારે 3:30 કલાકે તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
તા.પને શનિવારે મુંબઈના પવનહંસ સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. જે
પહેલા સવારે 10 વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાન ગોસ્વામી ટાવર્સ ખાતે
અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. પુત્ર કુણાલ ગોસ્વામીએ પિતાનું નિધન થયાનું જાહેર
કરી જણાવ્યું કે છેલ્લા સમયે તે પરિવારજનો સાથે વાત કરતાં હતા. વૃદ્ધાવસ્થાને લગતી
કેટલીક તકલીફ હતી પરંતુ શિરડી બાબાની કૃપાથી તેમણે સરળતાથી દુનિયા છોડી છે.
ર4
જૂલાઈ 1937ના રોજ હાલ પાકિસ્તાનના એબટાબાદમાં જન્મેલા મનોજકુમારનું વાસ્તવિક નામ હરિકિશન
ગોસ્વામી હતુ. ભાગલા બાદ તેઓ પરિવાર સાથે ભારત આવી ગયા હતા. દિલીપ કુમાર અને અશોક કુમારની
ફિલ્મોથી પ્રભાવિત હતા અને એક સ્ટુડિયોમાં નાનું કામ મળ્યા બાદ નશીબે સાથ આપતાં
1961માં ફિલ્મ કાંચ કી ગુડિયાથી મુખ્ય અભિનેતા તરીકે બ્રેક મળ્યો હતો. તેમને 7 ફિલ્મફેર
એવોર્ડ મળ્યા હતા. ફિલ્મ ઉપકાર માટે 1968માં રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો.
199રમાં તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. ર016માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
કરવામાં આવ્યા હતા.
દેશભક્તિની
ફિલ્મો ઉપરાંત 1964માં વો કૌન થી?, 196પમાં ગુમનામ, 1967માં પથ્થર કે સનમ, 1968માં
નીલ કમલ, 197રમાં શોર, 1974માં રોટી, કપડાં ઔર મકાન, 197પમાં સંન્યાસી જેવી યાદગાર
ફિલ્મો આપી હતી. મનોજકુમારની ફિલ્મોના ગીતો પણ ખુબ લોકપ્રિય છે અને આજે પણ સાંભળવા
મળે છે. ફિલ્મો ઉપરાંત તેમણે રાજનીતિમાં પણ પ્રવેશ કર્યો હતો. ર004ની લોકસભા ચૂંટણી
પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા.