• શનિવાર, 05 એપ્રિલ, 2025

જીવદયાની કોઈ પણ પ્રવૃત્તિ માટે મારો સહયોગ : અનંત અંબાણી

રાજકોટની સંસ્થા કરુણા ફાઉન્ડેશને પશુ દવાખાના અને એમ્બ્યુલન્સ માટે કરી રજૂઆત

ધીરેન્દ્ર શાત્રી પણ દ્વારિકાની પદયાત્રામાં જોડાયા, હવે થોડા કિલોમીટરનું અંતર બાકી : પત્રકારો, ફોટોગ્રાફરો પણ સાથે, આજે અંબાણી પરિવારમાંથી કોઈ આવે તેવી શક્યતા

રાજકોટ તા. 4: (ફૂલછાબ ન્યૂઝ) દ્વારિકા સુધીની પદયાત્રા કરી રહેલા અંબાણી પરિવારના અનંત અંબાણીએ આજે સવારે જીવદયાપ્રેમી સંસ્થાના પ્રતિનિધિઓને કહ્યું હતું કે પ્રાણી-પશુકલ્યાણની કોઈ પણ પ્રવૃત્તિ હશે તેમાં મારો સહયોગ રહેશે. આજે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાત્રી પણ પદયાત્રામાં જોડાયા હતા. ખાવડાથી ચાલીને દ્વારકા જઈ રહેલા અનંત અંબાણીએ કુકડા ભરેલું વાહન રોકાવી તેમને છોડાવ્યાની ઘટના બાદ તેમની જીવદયાની ચારેકોર ચર્ચા છે. આજે, શુક્રવારે સવારે કરુણા ફાઉન્ડેશન સંસ્થાના પાયાના કાર્યકર્તા અને પશુપાલન મંત્રાલયની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના સભ્ય મિતલ ખેતાણી અનંત અંબાણીને ચરખડા ગામ પાસે રુબરુ મળ્યા હતા. તેમણે પશુઓ માટેના દવાખાના અને એમ્બ્યુલન્સની પ્રવૃત્તિ વિશે વિગત આપી હતી. અનંત અંબાણીએ તેમને આ કાર્ય માટે એમ્બ્યુલન્સની સહાય કરવા માટે પણ કહ્યું પરંતુ મિતલ ખેતાણીએ કહ્યું કે અમે તો અમારી રીતે આ કાર્ય કરીએ જ છીએ. અમારે તેનો વહીવટી ખર્ચ વગેરે પણ વધી જાય માટે અત્યારે અમારી પાસે એમ્બ્યુલન્સ પર્યાપત છે. પરંતુ  રિલાયન્સ જો પશુ દવાખાના અને પશુઓ માટે એમ્બ્યુલન્સની યોજના કરે તો તે રાષ્ટ્રવ્યાપી બની શકે અને સુઆયોજિત રીતે જીવદયાનું કામ થઈ શકે. અનંત અંબાણીએ આ કાર્યકર્તાઓને કહ્યું કે પશુ કલ્યાણની કોઈ પણ પ્રવૃત્તિમાં સહયોગ આપવાનો મારો પૂરતો પ્રયાસ રહેશે.

ગૌમાતા પોષણ યોજનાની સબસિડીની રકમમાં વધારો કરવા, ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે ઉચ્ચ સ્તરે અનંત અને રિલાન્યસ રજૂઆત કરે તે માટે પણ કરુણા ફાઉન્ડેશને કહ્યું હતું. શુક્રવારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાત્રી અનંત અંબાણીની સાથે જોડાયા હતા. 150 બ્રાહ્મણો પણ મંત્રોચ્ચાર કરતા સાથે રહ્યા હતા. ગ્રામજનોએ જય દ્વારિકાધીશના નારા લગાવ્યા હતા. શનિવારે પરોઢે અનંત ફરી પદયાત્રા શરુ કરે ત્યારે વર્તમાનપત્રો-ચેનલોના કેમેરામેનનો કાફલો પણ સાથે હશે તે ઉપરાંત અંબાણી પરિવારમાંથી કોઈ સાથે જોડાશે.

ઇ-પેપરના નવા શુલ્ક