• શનિવાર, 05 એપ્રિલ, 2025

આંદોલન કરતા 10 વ્યાયામ શિક્ષકો વિરુદ્ધ સરકારે ફરિયાદ કરાવી દાખલ

- કાયદાનો કોરડો વિંઝ્યો : 150 સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

 

અમદાવાદ, તા. 3: ગુજરાતભરમાં ઠેર ઠેર અનેક વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. એવામાં ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આખરે સરકાર દ્વારા કાયદાનો કોરડો વિંઝવામાં આવ્યો છે. છેલ્લા 16 દિવસથી ચાલતા આંદોલનને કચડી નાખવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ આ મામલે પોલીસે આંદોલનની આગેવાની લેનાર દસ આગેવાનોના નામજોગ સહિત આંદોલનમાં ભાગ લઇ રહેલા વ્યાયામ શિક્ષકો સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે સરકાર વતી પોલીસ ફરિયાદી બની હતી અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયા મુંજબ તારીખ 1 એપ્રિલના રોજ ગાંધીનગરમાં સચિવાલય ગેટ નં.1ની સામે જાહેર રસ્તા પર વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદ કરાયેલ 10 વ્યાયામ શિક્ષકો દ્વારા નિયમોનો ભંગ કરી ટોળું એકઠું કર્યું હતું અને મંડળી રચી સરઘસ કાઢયું હતું.

પોલીસે આંદોલનની આગેવાની લેનાર 10 જેટલા આગેવાનો તથા વ્યાયામ શિક્ષકોના 150 જેટલા ટોળા સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક