• ગુરુવાર, 25 જૂન, 2026

ટેરિફ વોર : અમેરિકા ઢીલું પડયું, 15 દેશ સાથે વાટાઘાટ

દરેકનું દુ:ખ સાંભળી ન શકું, એટલે ટોચની અર્થવ્યવસ્થાઓ સાથે વાતચીત : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.18 : દુનિયાભરમાં ટેરિફ વોર છેડયા બાદ અમેરિકા હવે ઢીલું પડયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એલાન કર્યુ કે ટોચની 1પ અર્થવ્યવસ્થાવાળા દેશો સાથે અમેરિકા વાતચીત કરી રહયું છે. દરેકનું દુ:ખ તેઓ સાંભળી ન શકે એટલે ગણતરીના દેશોની વાત સાંભળશે. ઈટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોની ગુરુવારે ટ્રમ્પને મળ્યા હતા. 

દરમિયાન અમેરિકાના નાણા સચિવ સ્કોટ બેસેન્ટે ઓવલ ઓફિસમાં બન્ને નેતાઓની હાજરીમાં એલાન કર્યુ કે અમેરિકા ટેરિફ સંકટ અંગે દુનિયાની 1પ મોટી અર્થવ્યવસ્થા સાથે વાતચીત કરી રહ્યું છે જેમાં ચીન, ભારત, યુકે, ફ્રાન્સ,ઈટાલી, બ્રાઝીલ, કેનેડા, રશિયા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્પેન અને મોરક્કો સામેલ છે.

ટ્રમ્પે લગાવેલો જેવા સાથે તેવો ટેરિફ હાલ 90 દિવસ એટલે કે 9 જૂલાઈ સુધી ટાળી દેવાયો છે પરંતુ ચીન સાથે અમેરિકાનું ટેરિફ વધારાનું યુદ્ધ અટકવાનું નામ લઈ રહયું નથી. અમેરિકાએ તબક્કાવાર ચીન પર કુલ ર4પ ટકા ટેરિફ લગાવ્યો છે. જેની સામે પલટવારમાં ચીને અમેરિકા પર કુલ 1રપ ટકા સુધી ટેરિફ લાદ્યો હતો. દરમિયાન ટ્રમ્પના સૂર હવે બદલાયા છે તેમણે દાવો કર્યો કે ટેરિફ મુદે વાતચીત કરવા ચીને સંપર્ક કર્યો છે. ચર્ચા શરૂ થઈ ચૂકી છે અને આશા છે કે જલ્દી બન્ને દેશ વચ્ચે તણાવ ઓછો થશે અને ટેરિફનો પ્રશ્ન ઉકેલાશે.

------------------

ચીન સાથે સારો સોદો થશે : ટ્રમ્પ

ટેરિફની તલવાર ઝીંકયા પછી અમેરિકી પ્રમુખનું નરમ વલણ!

વોશિંગ્ટન, તા. 18 : ચીન પર ટેરિફની તલવારો ઝીંકનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક નરમ વલણ અપનાવ્યું હોય તેવી ચેષ્ટા બતાવતાં કહ્યું હતું કે, અમેરિકા ચીન સાથે ઘણો સારો સોદો કરવા જઈ રહ્યું છે.

હજુ બે દિવસ પહેલાં જ વધારાનો 100 ટકા ટેરિફ ચીન પર લાદનારા ટ્રમ્પે હવે એવો દાવો કર્યો છે કે, ચીન અમેરિકા સાથે બેઠક કરવા માટે તૈયાર છે.

ગઈકાલે મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે બહુ સારી વાતચીત થઈ. મેં જાપાનના કારોબારીઓ સાથે પણ વાત કરી. ચીન સહિત દરેક દેશ અમેરિકાને મળવા માગે છે, તેવો દાવો તેમણે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કુલ 245 ટકા ટેરિફ ઝીંકયા બાદ ચીની વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, અમે ટેરિફ યુદ્ધથી ડરતા નથી.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલિન લેવિટે જણાવ્યું હતું કે, હવે દડો ચીનના હાથમાં છે. ચીને અમારી સાથે સમજૂતી કરવાની જરૂર છે.

અમેરિકાને ચીન સાથે સામે ચાલીને સમજૂતી કરવા માટે જવાની કોઈ જરૂર નથી, તેવું તેમણે ઉમેર્યું હતું.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું હતું કે, અમેરિકા સામે જ સંવાદ ઈચ્છે તો નિરર્થક દબાણ કરવું, ડરાવવું બંધ કરવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક