• ગુરુવાર, 25 જૂન, 2026

રાજકોટમાં સિટી બસના 75 ડ્રાઈવરની વીજળીક હડતાલ : મુસાફરોમાં દેકારો

અકસ્માતો સમયે ડ્રાઈવરો પર થતાં જીવલેણ હુમલાની જવાબદારી એજન્સી સ્વીકારે તેવી માગણી: હડતાલના પગલે અનેક રૂટ રદ   ‘િવશ્વમ્’ એજન્સીના અધિકારીઓએ ફોન બંધ કરી દીધાં !

રાજકોટ તા.18 : રાજકોટમાં સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યકિતઓના મૃત્યુની ઘટના બાદ આજથી કોર્પોરેશન દ્વારા ધડાધડ પગલા લેવાનું શરૂ કરાયું છે ત્યારે બીજીતરફ સુરક્ષા મુદ્દે આજરોજ 125 પૈકીની 75 જેટલી ઈલે.સીટી બસના ડ્રાઈવરો વીજળીક હડતાલ પર ઉતરી જતા મુસાફરોમાં દેકારો બોલી જવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર અટલ સરોવર નજીક આવેલા સીટી બસના ડેપો પરથી આજે સવારના એક પણ ઈલેક્ટ્રીક બસ ઉપડી ન હતી જેના પગલે શહેરમાં સીટી બસ સર્વિસોના અનેક રૂટ રદ કરવાની તંત્રને નોબત આવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્દીરા સર્કલ નજીક સર્જાયેલી બસ દુર્ઘટનામાં 4 વ્યકિતઓના મૃત્યુ થતાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ બસના ડ્રાઈવર ઉપર હુમલો કર્યો હતો જે હાલ ‘વેન્ટીલેટર’ ઉપર છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ ઘટના ઘટે ત્યારે ડ્રાઈવરોની સુરક્ષાની જવાબદારી જ્યાં સુધી એજન્સી નહીં સ્વીકારે ત્યાં સુધી બસોના પૈડા થંભાવી દેવા મકકમતા વ્યકત કરી બસ ડ્રાઈવરો આજે હડતાલ પર ઉતરી ગયા છે.

નોંધનીય છે કે, સીટી બસ સર્વિસની વિશ્વમ એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ પણ ઈન્દીરા સર્કલ નજીક સર્જાયેલી બસ દુર્ઘટના બાદ મોબાઈલ સ્વીચ ઓફ કરી જવાબો આપવાનું ટાળી દીધુ. કોર્પોરેશને આજે વિશ્વમ એજન્સીને નોટીસ પણ ફટકારી છે અને 10 કરોડ આસપાસનું બિલ પણ અટકાવી દેવામાં આવ્યું છે તેમજ ડ્રાઈવરો માટે કેટલાક નીતિ નિયમો પણ ઘડયાં છે.

 શહેરમાં દોડતી સીટી બસોના ચેકિંગ માટે 93 અધિકીઓની એક ટીમ પણ ફિલ્ડમાં ઉતારવામાં આવી છે. સાથોસાથ કોઈપણ સિટી બસ ફૂલ સ્પીડમાં અથવા અકસ્માત સર્જે તેવી સ્થિતીનું નિર્માણ કરે તો તે અંગે તંત્રને ફરિયાદ કરવા કોલ સેન્ટર નં.155304 ઉપર ફરિયાદ કરવા લોકોને અનુરોધ પણ કર્યો છે. હડતાલના પગલે મ્યુ.કોર્પો.ના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ અટલ સરોવર પાસેના સીટી બસ સર્વિસોના ડેપો પર દોડી ગયા હતા અને ડ્રાઈવરોને સમજાવટના પ્રયાસો કર્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક