ઘરેથી અપહરણ બાદ ઢોર માર માર્યો, 4 હુમલાખોર, હિન્દુઓમાં રોષ : ભારતનું નિવેદન, ભેદભાવ વિના લઘુમતિઓની રક્ષા કરો
ઢાકા,
તા.19 : ભારત ચીમકી પર ચીમકી આપી રહયું છે તેવા સમયે બાંગ્લાદેશમાં અજાણ્યા લોકોએ એક
અગ્રણી હિન્દુ નેતા ભાબેશ ચંદ્ર રોય (પ8)ની હત્યા કરી છે. ગુરુવારે બપોરે તેમનું ઘરેથી
અપહરણ કર્યા બાદ બેભાન હાલતમાં મળ્યા હતા. તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો.
મૃતક
ભાબેશ બાંગ્લાદેશ પૂજા ઉદ્યોપન પરિષદના બીરાલ એકમના ઉપાધ્યક્ષ હતા. હિન્દુઓ પર તેમનો
સારો એવો પ્રભાવ હતો. મૃતક ઢાકાથી 330 કિમી દૂર દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી
હતા. ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યુ છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર
તમામ લઘુમતિઓની ભેદભાવ વિના રક્ષા કરે. આ હત્યામાં બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતિઓના
ઉત્પીડનની પેટર્ન દેખાય છે.
ભાબેશ
ચંદ્ર રોયના પત્ની શાંતનાએ જણાવ્યું કે બપોરે 4:30 કલાકે તેમના પતિને એક ફોન આવ્યો
હતો. ફોન કરનારા જાણવા ઈચ્છતાં હતા કે તેઓ ઘરે છે કે નહીં ? અડધો કલાક બાદ બે બાઈક
પર 4 અજાણ્યા શખસ ઘરે ધસી આવ્યા અને તેમને બળજબરીથી ઉઠાવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ
અનુસાર ભાબેશને નરાબાડી ગામ લઈ જવાયા હતા અને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે જ દિવસે સાંજે હુમલાખોરો તેમને બેભાન
હાલતમાં એક વાનમાં ઘરે મોકલી દીધા હતા. ગંભીરરીતે ઈજાગ્રસ્ત ભાબેશને હોસ્પિટલે લઈ જવાતા
ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.