• મંગળવાર, 29 એપ્રિલ, 2025

‘વકફ કાયદો કોઈ ધર્મ વિરુદ્ધ નથી’

સુપ્રીમમાં સરકારનું સોગંદનામું, કાયદાને પડકારતી અરજીઓ રદ કરવાની માગ

નવી દિલ્હી, તા. 25 : વકફ સુધારા કાયદાના મામલામાં સુપ્રીમ કોર્ટને સોગંદનામું સોંપતાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, અદાલતે કાયદા પર વિચાર કરી અંતિમ ફેંસલો લેવો જોઈએ.

આ કાયદાને પડકારતી અરજીઓ રદ કરવાની માંગ સાથે સરકારે જણાવ્યું હતું કે, કાયદાને કોઈ પણ ધર્મની વિરુદ્ધ બતાવવો ખોટું છે. વકફ બોર્ડ અને વકફ કાઉન્સિલમાં વધુમાં વધુ બે જ બિનમુસ્લિમ સભ્યો હશે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, બિનમુસ્લિમ સભ્યોની મોજૂદગી વકફ બોર્ડનાં કામને વધારે સમાવેશી બનાવશે. વકફ કાયદાની કાયદેસરતાને પડકાર ફેંકનારા અરજદારોના પ્રયાસ ન્યાયિક સમીક્ષાના મૂળ સિદ્ધાંતોથી વિરુદ્ધ છે, તેવું સરકારે જણાવ્યું હતું.

સંસદીય સમિતિ તરફથી વ્યાપક, ઊંડા તેમજ વિશ્લેષણ સાથે અભ્યાસ બાદ સુધારા કરાયા છે, તેવું કહેતાં કેન્દ્રએ ઉમેર્યું હતું કે, ખાનગી અને સરકારી સંપત્તિ પર અતિક્રમણ માટે જોગવાઈઓનો દુરુપયોગ થાય છે.

સરકારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ કાનૂની ક્ષમતા અને અનુચ્છેદ 32 હેઠળ મૌલિક અધિકારોના ભંગના આધાર પર કાયદાની સમીક્ષા કરી શકે છે.

સરકારી જમીનને કોઈ ધાર્મિક સમુદાયની બતાવવાની મંજૂરી આપી શકાય નહીં. કાયદામાં જમીનના રેકોર્ડ સાચા કરવાની વ્યવસ્થા છે, તેવું કેન્દ્રએ કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક