• મંગળવાર, 15 જુલાઈ, 2025

પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ : જવાબ ઓછા, સવાલા ઝાઝાં મળ્યા !

બન્ને પાયલટ વચ્ચેનો સંવાદ અને ફ્યૂલ સ્વીચની થિયરી સામે ઉઠી રહેલા ગંભીર સવાલ

નવી દિલ્હી, તા.13: અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171ની ભયાનક દુર્ઘટનાની તપાસનો પ્રાથમિક તપાસ અહેવાલ એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો (એએઆઈબી) દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. જે સવાલોનાં જવાબ ઓછા અને નવા સવાલ વધુ ઉભા કરે છે. વિમાનનાં બન્ને એન્જિન બંધ થઈ જવાનું કારણ ફ્યૂલ સ્વીચનું બંધ થવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોકપીટ રેકોર્ડિંગમાં બન્ને પાયલટ વચ્ચેની વાતચીતનો એક અંશ પણ આ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે. જેમાં એક પાયલટ બીજાને પૂછે છે કે, શું તેણે ઈંધણ બંધ કર્યુ? જેનો જવાબ બીજો પાયલટ નકારમાં આપે છે. આના હિસાબે સ્થિતિ એવી પેદા થઈ છે કે, આ દુર્ઘટનાનું આળ પાયલટ ઉપર ઢોળાઈ જવાની શંકા અને સંભાવના વધી જાય છે.

જ્યાં સુધી તપાસનો આ પ્રાથમિક રિપોર્ટ જાહેર નહોતો થયો ત્યાં સુધી નિષ્ણાતો પોતપોતાનાં જ્ઞાન અને અનુભવોનાં આધારે અટકળો અને તર્ક લગાવીને વિમાન તૂટી પડવાનાં કારણો ઉપર ચર્ચા કરતા હતાં પણ હવે જ્યારે તપાસમાં બહાર આવેલા કેટલાક તથ્યો ઉજાગર થઈ ગયા છે ત્યારે ચર્ચા અલગ જ દિશામાં ફંટાઈ ગઈ છે.

એરલાઈન પાયલટ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા(એએલપીએ-આઈ)નાં અધ્યક્ષ કેપ્ટન સેમ થોમસ કહે છે કે, આ અત્યંત ચોંકાવનારી વાત છે કે કોકપીટમાં બન્ને પાયલટ વચ્ચે ઈંધણ સ્વીચ કોણે બંધ કરી તેની વાત સાંભળવા મળી છે. તેમણે આગળ કહ્યું હતું કે, આ દુર્ઘટના બાદ ઈમરજન્સી લોકેટર ટ્રાંસમીટર(ઈએલટી)એ કામ કેમ ન કર્યુ? આ ઉપરાંત રિપોર્ટમાં કોઈનાં પણ અધિકૃત હસ્તાક્ષરની ગેરહાજરી અને તપાસની ગુપ્તતા મુદ્દે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

પૂર્વ બોઈંગ 737 કમાંડર અને ઇંસ્ટ્રક્ટર કેપ્ટન મોહન રંગનાથને દાવો કર્યો હતો કે, પાયલટ ઈરાદાપૂર્વક ફ્યૂલ કંટ્રોલ સ્વીચ બંધ કરે તો જ તે થઈ શકે. પહેલા જમણું અને ડાબું એન્જિન  બંધ થયું હતું. તેનો અર્થ સ્પષ્ટ છે કે, એક પછી એક સ્વીચ બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે રિપોર્ટને સંદિગ્ધ અને અસ્પષ્ટ પણ ગણાવ્યો છે.

તો અન્ય એક બોઈંગ કમાન્ડરે નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, પાયલટે જ ફ્યૂલ બંધ કર્યુ એવો તર્ક ખોટો છે. કોઈ કંપની દ્વારા ચેતવણી જારી કરવામાં ન આવી હોય તે સુરક્ષાનું પ્રમાણ નથી. અનેકવાર ડિઝાઈનની ગંભીર ત્રુટિઓ પણ સ્વીકારવામાં આવી છે. બોઈંગને ભૂતકાળમાં આનાં માટે દોષિત ઠરાવવામાં આવેલી જ છે.

દોષનો ટોપલો દુર્ઘટનામાં દિવંગત પાયલટ ઉપર ઢોળાવાની સંભાવના વધી ગઈ છે ત્યારે તપાસનાં રિપોર્ટ સામે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે, બન્ને પાયલટ વચ્ચેનો માત્ર એક જ સંવાદ કેમ જાહેર કરવામાં આવ્યો? 38 સેકન્ડ સુધી વિમાન ઉડયું હતું તો પાયલટ વચ્ચેની બીજી વાત કેમ જાણવા મળી નથી? શું રેકોર્ડિંગ જ અધૂરું છે કે પછી અન્ય કોઈ કારણ છે?

અન્ય કેટલાક નિષ્ણાતોનાં હવાલેથી આવતા અહેવાલો અનુસાર જો પાયલટ ઉડાણ વખતે જ ધારે તો પણ ઈંધણ બંધ કરી શકે તેમ ન હોય કારણ કે વિમાનનું ટેક ઓઈ લિવર બંધ થયા બાદ જ ફ્યૂલ સ્વીચ ચાલુ બંધ થઈ શકે છે. જ્યારે સ્વીચ બંધ થઈ હોવાનું કહેવાયું ત્યારે વિમાન હવામાં ઉપર ચઢી રહ્યું હતું. જેનો અર્થ એવો થાય કે ટેક ઓફનું લિવર અપાયેલું હતું. આ સંજોગોમાં સ્વીચ બંધ ન થાય. બીજી મહત્ત્વની વાત એ પણ છે કે, રિપોર્ટમાં એન્જિન ચાલુ બંધ કરવાનાં પ્રયત્નોની વાત છે તો એ સમજવું જરૂરી છે કે, એકાદ-બે સેકન્ડમાં વિમાનનાં એન્જિ

ન ચાલુ બંધ થઈ જતાં નથી. તેનાં માટે કમસેકમ બેથી ત્રણ મિનિટ લાગી જતી હોય છે. તેની સામે એર ઈન્ડિયાનું બોઈંગ ડ્રીમલાઈનર 38 સેકન્ડમાં જ ક્રેશ થયું હતું. એટલે આવું કંઈ બન્યું હોવાની વાત પણ સંદિગ્ધ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક