• રવિવાર, 14 ડિસેમ્બર, 2025

સુરતમાં રાજ્યની પ્રથમ એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરને રૂ.600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા ભૂપેન્દ્રભાઈ પટેલ

સુરત, તા. 13 : સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવી અદ્યતન માર્કેટયાર્ડનુ લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

એપીએમસી સરદાર માર્કેટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત એપીએમસીએ વર્ષ 1951માં માત્ર 15 હજાર રૂપિયાની આવક સાથે કરેલી શરૂઆત આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ છે. અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી ટેમ્પો, ટ્રક સીધા પહેલા માળે દુકાનોની સામે જ જઈ શકશે. આ સુવિધાથી કૃષિ પેદાશોને લાવવા-લઇ જવામાં સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે, તેમજ કૃષિ જણસો વેપારીઓની દુકાનો પર સીધી જ ઉતારી શકાશે.

મુખ્યમંત્રીના હસ્તે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા અને સુડા(સુરત શહેરી વિકાસ સત્તામંડળ)ના કુલ રૂ.ર49 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.109.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. મુખ્યમંત્રીએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.(યુઆરડીસીએલ) દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂ. 242 કરોડના વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત કર્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ સુરત વાસીઓને રૂ.600 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની વિઝનરી લીડર શીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત સુરત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વાગાડયો છે ત્યારે સૌ લોકોને સ્વભાવમાં સ્વચ્છતા કેળવાય તે માટેની તેમણે હિમાયત કરી હતી. સુરતનો આઉટ ડોર રીંગરોડ પુર્ણ થવાથી ટ્રાફિકમાં ધટાડાની સાથે લોકોની સુવિધાઓમાં વધારો થશે. આ પ્રસંગે ડિજિટલ ઈન્ડિયા મિશનને અંતર્ગત મુખ્યમંત્રી દ્વારા એસએમસી વોટ્સએપ ચેટ બોર્ડનું લોન્ચિગ કરવામાં

આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક