- લોકસભામાં ઊર્જા આપૂર્તિ, ખાડી દેશોમાં ભારતીયોની સુરક્ષા સહિતના મુદ્દે પીએમ મોદીએ કર્યું સંબોધન : કોરોના કાળમાં બતાવેલી એકતા ફરીથી બતાવવા આહવાન
નવી
દિલ્હી, તા. 23 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં
યુદ્ધની ભારત ઉપર અસર અંગે લોકસભામાં માહિતી આપી હતી અને વર્તમાન સ્થિતિ અંગે જાણકારી
આપી હતી. મોદીએ સંસદમાં સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે હોર્મુઝનો જળમાર્ગ બંધ કરવો
અસ્વીકાર્ય છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે, યુદ્ધની અસર લાંબો સમય સુધી ચાલી શકે
તેમ છે. આ માટે કોરોના કાળની જેમ એકજૂથતા બતાવીને પડકારોનો સામનો કરવો પડશે. ઊર્જા
આપૂર્તિ અને તેને સંબંધિત સંકટની વાત કરતા મોદીએ કહ્યું હતું કે ભારત દ્વારા પૂર્વ
તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત અફવા ફેલાવનારાઓ અને તકનો ખોટો ફાયદો ઉઠાવનારા તત્ત્વો
સામે જાગૃત રહેવા તેમજ સાવધાન અને સતર્ક રહેવા અપીલ કરી હતી.
વડાપ્રધાન
મોદીએ લોકસભામાં ઈરાન યુદ્ધ ભારત માટે કેમ મહત્ત્વનું છે તેની વાત કરી હતી. મોદીએ કહ્યું
હતું કે, ભારત તેલ અને ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો ખાડી ક્ષેત્રમાંથી મગાવે છે. હોર્મુઝ
અને ખાડીનો રસ્તો ભારત માટે માત્ર સમુદ્રી માર્ગ જ નહીં પણ ઊર્જાની જીવનરેખા છે. જંગમાં
સામેલ દેશો અને પ્રભાવિત દેશો સાથે ભારતના સારા વ્યાપારિક સંબંધ છે. આ વિસ્તાર દુનિયાના
બાકી દેશો સાથે ભારતના વેપારનો પણ મહત્ત્વનો રસ્તો છે. વધુમાં ખાડી દેશોમાં એક કરોડ
ભારતીય વસે છે અને કામ કરે છે. ખાડીમાં ચાલતા વ્યાપારી જહાજોમાં ભારતીય નાવિકોની મોટી
સંખ્યા છે. આ તમામ કારણે ભારતની ચિંતા બાકી દેશો કરતા વધારે છે અને સંસદથી એકજૂથ અને
સ્પષ્ટ અવાજ દુનિયા સુધી પહોંચે તે જરૂરી છે.
મિડલ
ઇસ્ટમાં ફસાયેલા લોકો માટે સરકાર શું કરી રહી છે તેની માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું
હતું કે, પ્રભાવિત દેશોમાં ભારતીય દૂતાવાસ સતત કામ કરી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારમાં
વસતા ભારતીય હોય કે પર્યટકો હોય તમામની મદદ કરવામાં આવી રહી છે. ભારત અને પ્રભાવિત
દેશ વચ્ચે 24 કલાક ઇમર્જન્સી હેલ્પલાઇન ચાલુ છે. જેના મારફતે જરૂરિયાતમંદ લોકો સુધી
મહત્ત્વની જાણકારી પહોંચાડવામાં આવે છે. સંકટના સમયે દેશની અંદર અને બહાર ભારતીયની
સુરક્ષા ખૂબ જ જરૂરી છે. મોદીએ કહ્યું હતું કે, જંગ શરૂ થયા બાદથી અત્યારસુધીમાં ત્રણ
લાખ 75 હજારથી વધારે ભારતીય સુરક્ષિત સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. ઈરાનથી 1000 ભારતીય
પરત આવ્યા છે. જેમાં 700 મેડિકલ છાત્ર સામેલ છે. આ ઉપરાંત ખાડી દેશમાં અભ્યાસ કરતા
છાત્રોના ભણતર ઉપર અસર ન થાય તે માટે સીબીએસઇએ ખાડી દેશોની શાળામાં 10મા અને 12મા ધોરણની
પરીક્ષા રદ કરી દીધી છે.
મોદીએ
કહ્યું હતું કે, ભારતનો તેલ, ગેસ, ખાતર અને અન્ય જરૂરી સામાનનો મોટો હિસ્સો હોર્મુઝના
રસ્તે આવે છે. જંગ બાદથી આ રસ્તે જહાજોનું પસાર થવું મુશ્કેલ બન્યું છે. જો કે સરકારે
સુનિશ્ચિત કર્યું છે કે, પેટ્રોલ-ડીઝલની સપ્લાય ઉપર અસર ન પડે. ભારત પોતાની જરૂરિયાતનો
60 ટકા એલપીજી બહારથી મગાવે છે. સપ્લાયમાં અનિશ્ચિતતાને ધ્યાને રાખીને સરકારે ઘરેલુ
ગ્રાહકોને પહેલી પ્રાથમિકતા આપી છે. સાથે જ દેશની અંદર એલપીજી ઉત્પાદન વધારવા કોશિશ
ચાલી રહી છે.
વડા
પ્રધાન અનુસાર ઈરાન યુદ્ધે દુનિયામાં જે મુશ્કેલ સ્થિતિ બનાવી છે તેની અસર લાંબો સમય
સુધી રહેશે. આ માટે આપણે તૈયાર અને એકજૂથ રહેવું પડશે. આ સમયે મોદીએ કોવિડનું ઉદાહરણ
આપ્યું હતું અને કહ્યું હતું કે જે રીતે કોરોનાના પડકારનો મળીને સામનો કર્યો હતો તેવી
જ રીતે વર્તમાન સંકટનો પણ સામનો કરવાનો છે.
પીએમએ
સંસદમાં કહ્યું હતું કે, પશ્ચિમ એશિયાનાં યુદ્ધ અને ઊર્જા સંકટનો સામનો કરવા માટે ભારત
છેલ્લાં 11 વર્ષથી પોતાને તૈયાર કરી રહ્યું છે. 11 વર્ષ પહેલા દેશની સૌર ઊર્જા ક્ષમતા
3 ગીગાવોટ હતી. જે હવે વધીને 140 ગીગાવોટ થઈ છે. છેલ્લાં એક વર્ષમાં દેશભરમાં 40 લાખ
રૂફટોપ સોલાર પેનલ લગાડવામાં આવ્યા છે.
શાંતિ
એક્ટ મારફતે દેશમાં પરમાણુ ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેથી ભવિષ્યમાં
ઊર્જા માટે બહારની નિર્ભરતા ઓછી થઈ શકે.
મોદીએ
કહ્યું હતું કે જંગ શરૂ થયા બાદ અત્યારસુધીમાં ભારતે દરેક મંચે ચિંતા વ્યક્ત કરી છે.
પોતે પશ્ચિમ એશિયાના તમામ મહત્ત્વના નેતા સાથે વાત કરીને તણાવ ઘટાડવાની અપીલ કરી હતી.
ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે સામાન્ય નાગરીકો ઉપર હુમલા બંધ કરવામાં આવે. ઊર્જા
અને પરિવહન માળખા ઉપર હુમલા ન થાય અને વ્યાપારી જહાજોને નિશાને લેવાની પ્રવૃત્તિ સહન
કરાશે નહીં. હોર્મુઝ જેવો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બંધ કરવો અસ્વીકાર્ય છે.
પીએમએ
ચેતવણી આપી હતી કે, આવાં સંકટમાં અમુક લોકો તકનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. આ માટે
તમામ કાયદો વ્યવસ્થા એજન્સીઓને એલર્ટ ઉપર રાખવામાં આવી છે. સુરક્ષા દરેક મોરચે મજબૂત
થઈ છે. તટીય સુરક્ષા, સીમા સુરક્ષા, સાઇબર સુરક્ષા અને રણનીતિક બેઝની સુરક્ષા વધારવામાં
આવી છે.