-
સોના-ચાંદીમાં
ગાબડાં : સોનું 1.40 લાખની નીચે, ચાંદી 2.20 લાખ :
શેરબજારમાં
મંદીનો ભૂકંપ : નિફ્ટી, સેન્સેક્સ 2.પ ટકા તૂટયા, રોકાણકારોને 14 લાખ કરોડનો ઝટકો :
ઈરાનનાં વીજમથકો ઉપર ત્રાટકવાની ધમકીમાં ટ્રમ્પે ફેરવી તોળતાં ક્રૂડમાં 11 ટકાનું ગાબડું:
આજે શેરબજારમાં જબરદસ્ત ઉછાળાની આશા
નવીદિલ્હી,
તા.23 : ખાડી દેશોમાં યુદ્ધનાં કારણે ઓઇલનું ઉત્પાદન 70 ટકા ઘટી ગયું છે અને તેનાં
હિસાબે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થઈ ગયો છે. જેમાં આજે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિબેરલ
113 રૂપિયાનાં ખતરનાક સ્તરે પહોંચી ગયો હતો. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
હોર્મુઝ ન ખોલે તો 48 કલાકમાં ઈરાનનાં વીજમથકો ઉપર ત્રાટકવાની આપેલી મહેતલ પાંચ દિવસ
સુધી લંબાવી દેતાં ક્રૂડ ઓઇલના વાયદામાં આજે 11 ટકાનો કડાકો બોલી ગયો હતો અને ભાવ
91 ડોલરે સરકી ગયો હતો. બીજીબાજુ દુનિયાનાં શેરબજારોમાં આવેલા નાટકીય અને તોતિંગ ઉછાળાને
પગલે આવતીકાલે મંગળવારે ભારતીય શેરબજાર પણ ઉંચી છલાંગ મારે તેવી સંભાવના છે.
યુદ્ધ
વચ્ચે ક્રૂડ ઓઇલની કટોકટીનાં કારણે ઘેરાયેલા આર્થિક સંકટનાં વાદળમાં આજે સોના-ચાંદીનાં
ચળકતા ભાવો પણ ઝંખવાઈ ગયા હતા અને બન્ને કિંમતી ધાતુનાં ભાવોમાં પણ ગાબડાં પડી ગયાં
હતાં. જેમાં સોનામાં પ હજાર રૂપિયાનાં કડાકા સાથે ભાવ 1.40 લાખની નીચે સરકી ગયો હતો.
બીજીબાજુ ચાંદી 6 હજાર રૂપિયા ઘટીને 2.20 લાખ રૂપિયા આસપાસ પહોંચી ગઈ હતી. શેરબજારમાં
પણ રોકાણકારોની માઠી બેઠી હોય તેવી રીતે ભયાનક મંદીનાં વાદળ ઘેરાઈ ગયાં હતાં અને તેમાં
નિફ્ટી
601 પોઇન્ટનાં કડાકા સાથે 22,પ12નાં સ્તરે જ્યારે સેન્સેક્સ 1836 અંક ઘટીને 72,696નાં
સ્તરે આવી ગયો હતો.
વૈશ્વિક
ઊર્જા સંકટની અસરો તીવ્ર ગતિએ ચોમેર અનુભવાતી થઈ જવાનું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં લાગેલી
પ્રચંડ આગ છે. ક્રૂડ ઓઇલ એક જ માસનાં ટૂંકા ગાળામાં 60 ટકા ઉછળી ગયું છે અને 70 ડોલરમાંથી
ભાવ હવે 113 ડોલર આસપાસ પહોંચી ગયો. જો કે ટ્રમ્પે પાંચ દિવસ સુધી ઈરાનનાં વીજમથકો
ઉપર હુમલા નહીં કરવાની ઘોષણા કરી દેતાં ભાવ ધડાકાભેર તૂટી પડયો હતો અને ક્રૂડ ઓઇલમાં
11 ટકાનું ગાબડું પડી ગયું હતું. નિષ્ણાતો હજી આ યુદ્ધ વધુ ખેંચાય તો ભાવ 13પથી 1પ0
ડોલર સુધી ધસી જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને ઈરાને
દુનિયાનું નાક દબાવ્યું છે અને તેની ગુંગળામણ હવે આખી દુનિયામાં થવા લાગી છે.
સામાન્ય
રીતે દુનિયામાં જ્યારે કોઈ આફત આવે ત્યારે સોનું અને ચાંદી સલામત રોકાણની ભૂમિકામાં
આવી જતાં હોય છે પણ આ વખતે તેનાથી વિપરિત ઈરાન યુદ્ધ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં
સોનાના ભાવમાં 18 ટકાનો ઘટાડો થઈ ગયો છે અને રોકાણકારોના આશરે 7.3 ટ્રિલિયન ડોલર યુદ્ધના
વિસ્ફોટોમાં ભસ્મીભૂત થઈ ગયા છે. ગત સપ્તાહ સોના માટે 1983 પછીનું સૌથી ખરાબ અઠવાડિયું
બની ગયું હતું અને આજથી ચાલુ થયેલા નવા અઠવાડિયામાં પણ પહેલા દિવસે જ સોનાના ભાવમાં
4770 રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો. આવી જ રીતે બેફામ તેજ બની ગયેલી ચાંદી પણ 5261 રૂપિયાનાં
ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.
શેરબજારની
વાત કરવામાં આવે તો આજે ફરી એકવાર ચોતરફી વેચવાલી માટે નાસભાગ મચી હોય તેવી હાલત હતી.
નિફ્ટીમાં 2.6 ટકા અને સેન્સેક્સમાં 2.46 ટકાનો કડાકો બોલી ગયો હતો. જેમાં રોકાણકારોનાં
14 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં રોકાણકારોની આશરે
47 લાખ કરોડ રૂપિયાની મૂડીનો ધુમાડો થઈ ગયો છે.