• મંગળવાર, 24 માર્ચ, 2026

રીબડા નજીક ગેસ રિફાલિંગનું કૌભાંડ ઝડપાયું : 600 સિલિન્ડર જપ્ત

પોલીસે ચારની ધરપકડ કરી, ગોડાઉનને સીઝ કર્યું

ગોંડલ, તા. 23: રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ગોંડલ તાલુકાના રીબડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રીફાલિંગ અને કાળાબજારના રેકેટનો પર્દાફાશ કર્યો છે.  ઉમિયા ગેટ નંબર-4 ની અંદર આવેલી સાંઈપ્રેમ ગેસ એજન્સી પર દરોડા પાડયા હતા. અહીં ગેસ સિલિન્ડરની કાળાબજારી અને જોખમી રીતે રીફાલિંગ કરવામાં આવતું હોવું બહાર આવ્યું છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ એજન્સીમાં કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો કે નિયમોનું પાલન કર્યા વિના જ અનઅધિકૃત રીતે ગેસ રીફાલિંગનું કામ કરવામાં આવતું હતું. અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે રહેણાંક અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારની નજીક આ જોખમી કામગીરી ચાલતી હતી. આરોપીઓ ઓછો ગેસ ભરીને અથવા ગેરકાયદે રીતે સિલિન્ડર વેચીને કાળાબજારી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કંપનીના નાના અને મોટા મળીને કુલ 600 નંગ એલ.પી.જી. ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જેમાં ભરેલા અને ખાલી બંને પ્રકારના સિલિન્ડરનો સમાવેશ થાય છે. પોલીસે આ સમગ્ર ગોડાઉનને સીઝ કરી દીધું છે અને તમામ મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે આ કાળાબજારીના રેકેટમાં સંડોવાયેલા ચાર શખસની ધરપકડ કરી છે. પકડાયેલા શખસ આ નેટવર્ક ક્યારથી ચલાવતા હતા અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં તપાસ તેજ કરી છે. રીબડા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર મળી આવતા સ્થાનિક તંત્રમાં પણ ફફડાટ મચી ગયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક