- યુદ્ધના કારણે ખાડી દેશોને નિકાસ કરવામાં આવતી વસ્તુની કિંમત ઉપર અસર
નવી
દિલ્હી, તા. 23 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ યુદ્ધની આંચ પૂરી દુનિયાને દઝાડી રહી છે.
દુનિયાના તમામ દેશ ઊર્જા સંકટના નવા સ્તરે પહોંચી રહ્યા છે. પ્લાસ્ટિક, પેટ્રોલિયમથી
લઈને દરરોજની જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, તો બીજી તરફ અરબ દેશોને નિકાસ
થનારી અમુક વસ્તુઓની કિંમતમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. મખાના 100 રૂપિયા કિલો સુધી
સસ્તું થયું છે અને બાસમતી ચોખા અને ખાંડમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મરી, મોટી
એલચીથી લઈને સફેદ એલચીની કિંમતમાં પણ ઘટાડો થયો છે. મખાના 15 દિવસ પહેલા જથ્થાબંધમાં
800થી લઈને 1200 રૂપિયા પ્રતિકિલો સુધી વેચાઈ રહ્યું હતું. જો કે સોમવારે 700થી
1100 રૂપિયા પ્રતિકિલોએ વેચાયું હતું. આવી જ રીતે નાની એલચી જે 2500થી 3450 રૂપિયા
પ્રતિકિલોએ વેચાઈ રહી હતી તેની કિંમતમાં 100થી 125 રૂપિયા સુધીનો ઘટાડો દેખાયો હતો.
મોટી એલચી 1700થી 2250 રૂપિયા પ્રતિકિલો હતી અને તેમાં 100થી 110 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. એક રિપોર્ટમાં જથ્થાબંધ
વેપારીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ગરમીમાં લગ્નની સીઝન 15 એપ્રિલથી શરૂ થશે.
જેના કારણે મસાલાની કિંમતમાં તેજી રહે છે. પરંતુ ખાડી દેશોને નિકાસ થનારા મસાલા અને
સુકામેવામાં નરમી દેખાય રહી છે. યુદ્ધ લાંબું ખેંચાયું તો કિંમતમાં વધારે ઘટાડો થઈ
શકે છે. ખાડી દેશમાં દ્રાક્ષ મોટાપાયે નિકાસ થાય છે. નિકાસ પ્રભાવિત થવાની અસર કિશમિશ
ઉપર થઈ રહી છે.
દેશમાં
અમુક સ્થળે 500થી 520 રૂપિયે વેચાતી કિશમિશ 400થી 410 રૂપિયે કિલો વેચાઈ રહી છે. બિહારથી
નિકાસ થનારા મખાનાની કિંમત ઘટી છે. આવી જ હાલત ખાંડ, બાસમતી ચોખા અને અન્ય વસ્તુઓની
છે. ખાસ કરીને એવી વસ્તુઓ કે જે ખાડી દેશોમાં નિકાસ થઈ રહી હતી તેની સપ્લાઈ પ્રભાવિત
થઈ છે અને કિંમત ઘટી રહી છે.