આજથી રાજ્યભરના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે, વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઈ વિરોધ નોંધાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.16 ઃ ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ દ્વારા પડતર 13 માગણીઓના ઉકેલ માટે શરૂ કરાયેલું આંદોલન ઉગ્ર બન્યું છે. સરકાર સાથે બે દિવસ સુધી મંત્રણા યોજાયા બાદ પણ કોઈ નક્કર ઉકેલ ન આવતાં કર્મચારીઓએ આંદોલન યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આગામી તા.17થી રાજ્યભરની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે તેમજ વોટ્સએપ ગ્રુપમાંથી સામૂહિક રીતે લેફ્ટ થઈ વિરોધ નોંધાવશે.
કર્મચારી મંડળે તા.22ના સામૂહિક રજા પાડીને વિરોધ નોંધાવવાની જાહેરાત કરી છે. તેમ છતાં સરકાર દ્વારા માંગણીઓનો સકારાત્મક ઉકેલ નહીં લાવવામાં આવે તો તા.2 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની
ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ આંદોલનમાં રાજ્યની 287 કચેરીના આશરે 600 કર્મચારી જોડાય તેવી શક્યતા છે.
કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં ઓડિટ ફકરાના આધારે થતી નોટિસો અને ચાર્જશીટ બંધ કરવી, સબ-રજિસ્ટ્રાર સામે સીધી પોલીસ ફરિયાદો અટકાવવી, અસ્પષ્ટ પરિપત્રો પાછા ખેંચવા તથા ગરવી પોર્ટલની ટેકનિકલ ખામીઓ દૂર કરવાનો સમાવેશ થાય છે. ઉપરાંત ટોકન સ્લોટની સંખ્યા ઘટાડીને કામનું ભારણ હળવું કરવાની પણ માગણી છે. દસ્તાવેજ નોંધણી વિભાગની કામગીરી રાજ્ય સરકારની આવક માટે મહત્ત્વપૂર્ણ છે. આંદોલન લાંબું ચાલે તો બિલ્ડરો, ખેડૂતો, વકીલો અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન મિલકતના દસ્તાવેજોની નોંધણીમાં વિલંબ થવાની ભીતિ છે. હાલ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચાઓ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.