• શનિવાર, 27 એપ્રિલ, 2024

અસાધારણ કિસ્સામાં જ મીડિયા રિપોર્ટ ઉપર રોક લાગે : સુપ્રીમ

- સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને મીડિયા જૂથો સામે પ્રતિબંધાત્મક આદેશો અંગે ધ્યાન રાખવા નિર્દેશ આપ્યો

 

નવી દિલ્હી, તા. 27 : સુપ્રીમ કોર્ટે મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે નીચલી અદાલતોને મહત્ત્વનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અદાલતોને મીડિયા જૂથ સામે પ્રતિબંધાત્મક આદેશ પસાર કરતા સમયે સાવધાનીપૂર્વક આગળ વધવા કહ્યું છે તેમજ માત્ર અસાધારણ મામલામાં જ પ્રતિબંધાત્મક પગલાં ભરવા નિર્દેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું છે કે, અદાલતે પ્રાથમિક દૃષ્ટિએ આરોપોની ગુણવત્તાની તપાસ કર્યા વિના મીડિયા જૂથ સામે એકતરફી પ્રતિબંધના આદેશ પસાર કરવાથી બચવું જોઈએ. વધુમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ આર્ટિકલ છપાવા સામે પ્રી ટાયલ આદેશ આપવાથી લેખકની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જનતાના જાણવાના અધિકાર ઉપર ગંભીર પ્રભાવ પડી શકે છે.

આતંરરાષ્ટ્રીય મીડિયા સમૂહ બ્લૂમબર્ગને જી એન્ટરટેઇનમેન્ટ સામે કથિત અપમાનજનક સમાચાર હટાવવાનો નિર્દેશ આપવા સંબંધિત નીચલી અદાલતના આદેશને રદ કરતા શીર્ષ અદાલતે કહ્યું હતું કે, સામગ્રીના પ્રકાશન સામે નિર્દેશો પૂર્ણ સુનાવણી બાદ જ જારી થવા જોઈએ. સીજેઆઇ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાની ત્રણ ન્યાયાધીશની બેંચે કહ્યું હતું કે, સમાચાર સામે સુનાવણી પહેલાં જ નિર્દેશો આપવામાં આવતા લખનારા અને જાણનારા લોકોના અધિકાર ઉપર ગંભીર પ્રભાવ પડી શકે છે.

પીઠમાં ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા પણ સામેલ છે. ન્યાયાલયે કહ્યું હતું કે જે સામગ્રીને પ્રતિબંધિત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે તે દુર્ભાવનાપૂર્ણ અને ખોટો અનુરોધ છે તે અંગે ખરાઈ કર્યા વિના એકતરફી આદેશ આપવાની બચવું જોઈએ. સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઇ કોર્ટના 14 માર્ચના એક આદેશ સામે અરજી ઉપર સુનાવણી કરી રહી હતી. ઉચ્ચ ન્યાયાલયે નીચલી અદાલતના આદેશ સામે બ્લૂમબર્ગ દ્વારા દાખલ અરજી ખારિજ કરી હતી. પીઠે કહ્યું હતું કે, આ મામલો એક મીડિયા સંસ્થાન સામે માનહાનિ કાર્યવાહીમાં નિર્દેશો પ્રદાન કરવાનો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક