• શનિવાર, 27 એપ્રિલ, 2024

સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હિટવેવની સાથે યલો એલર્ટની આગાહી

- રાજ્યના 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો: બપોરે લૂ ફેંકતા તાપના કારણે રસ્તાઓ સૂમસામ

-41.6 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર

રાજકોટ, અમદાવાદ તા.27 : ગુજરાતમાં સીઝનમાં પહેલાવીર માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. હાલ રાજયભરમાં ભૂક્કા બોલાવી દે તેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. હજુ તો માર્ચ મહિનામાં જ ઘણા શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહે છે. રાજકોટમાં તો છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 41 ડિગ્રીએ પહોંચે છે. જેના કારણે લોકો સવારથી જ ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. બપોરે તો લૂ ફેંકતા તાપના કારણે રસ્તાઓ પણ સુમસામ થવા લાગ્યા છે.  ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવુ પડશે. હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 28 માર્ચના રોજ અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં હિટવેવની શક્યતા છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 29 માર્ચના રોજ બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિટવેવના પગલે હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓના નાગરિકોને સચેત કરવામાં આવ્યા છે. બાળકો, વૃદ્ધોને ઉષ્ણ લહેરોના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉભી થઇ શકે છે. આ બન્ને દિવસ દરમિયાન ગરમીમાં બહાર જવાનું ટાળવા, હળવા રંગના ઢીલા અને સુતરાઉ વસ્ત્રો પહેરવા તથા માથું ઢાંકીને રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ખુબ જ ભારે રહેવાના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી અમદાવાદ, ગાંધીનગર વગેરે શહેરોમાં રાત્રિ દરમિયાન ઉકળાટનો અનુભવ થશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. તેને કારણે ગરમ પવનો ફૂંકાઇ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છના અને ખંભાતના અખાતમાં પણ ગરમ પવનો ફૂંકાતા રહેશે. જેની ઝડપ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સ અપ્રોચ કરી રહ્યું છે તેને કારણે આગામી ત્રણ દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક