• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

બાંગ્લાદેશ અને અનામત

અનામતની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં સ્વાતંત્ર્યસેનાનીઓનાં સગાં માટે નોકરીઓમાં  ક્વૉટા 30 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. હવે બે ટકા અનામત લઘુમતીઓ, તૃતીયપંથીઓ અને દિવ્યાંગોને મળશે. 93 ટકા નોકરીઓ યોગ્યતાના આધાર પર ભરવામાં આવશે. બાંગ્લાદેશ સરકારે 2018માં વિવિધ શ્રેણી માટેનું 56 ટકા અનામત રદ કર્યું હતું. જોકે, ગત પાંચમી જૂને ત્યાંની હાઈ કોર્ટે સરકારનો નિર્ણય રદ કર્યો અને અનામત ફરી લાગુ કર્યું હતું. આ પછી બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી.

હાલના આંદોલનના કેન્દ્રમાં ત્રીસ ટકા અનામત છે, જે સરકારી નોકરીઓમાં મુક્તિ નાયકો એટલે કે સ્વતંત્રતાસેનાનીઓ અને તેમના પરિવારજનોને આપવામાં આવે છે, જેઓએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન વિરુદ્ધ રણ મોરચે લડયા હતા. આ અનામત ઉપરાંત મહિલાઓને દસ, પછાત વર્ગોને દસ, લઘુમતીઓને પાંચ અને દિવ્યાંગોને એક ટકા અનામત પછી યોગ્યતા આધારિત નોકરીઓ ફક્ત 44 ટકા જ બચે છે અને આંદોલનકારીઓ વિદ્યાર્થીઓની આ સૌથી મોટી ફરિયાદ છે. પણ સુપ્રીમ કોર્ટનો તાજો ચુકાદો આ સંદર્ભમાં ઐતિહાસિક અને સાહસિક છે કે સરકારી નોકરીઓમાં અનામતને 56 ટકાથી ઘટાડીને ફક્ત સાત ટકા કરી નાખવામાં આવ્યું છે. આથી હવે 93 ટકા નોકરીઓ યોગ્યતાના આધાર પર મળવાનો માર્ગ મોકળો થયો છે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું છે કે, હિંસાચારગ્રસ્ત બાંગ્લાદેશની જનતા અમારા દરવાજા ખખડાવશે તો તૃણમૂલ કૉંગ્રેસની પશ્ચિમ બંગાળ સરકાર તેમને આશ્રય આપશે. આમ પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે પશ્ચિમ બંગાળના દ્વાર મુક્તપણે ખુલ્લા છે જ. તેમાં મમતા બેનરજીએ એક રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે અન્ય રાષ્ટ્ર સાથેના સંબંધમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ પણ અધિકાર નથી, છતાં પોતાની વોટબૅન્કને મજબૂત કરવા બાંગ્લાદેશી મુસલમાનો માટે દરવાજા ખુલ્લા હોવાની કરેલી જાહેરાત માત્ર ચિંતાજનક નહીં, નિંદનીય પણ છે.

17 કરોડની વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં શેરીઓમાં આંદોલન નવી વાત નથી પણ વિદ્યાર્થીઓના દેખાવોએ જે રીતનું દેશવ્યાપી રૂપ લીધું છે, એનાથી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાની ચિંતા વધી છે. બાંગ્લાદેશ વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રોમાંથી એક છે, પણ બેરોજગારીની પછી સ્થિતિ જે રીતે ગંભીર છે એ જોતાં લાગે છે કે સુપ્રીમ કોર્ટના તાજા ચુકાદાએ સરકારને હાલ તો રાહત આપી છે, પણ જોવાનું એ રહેશે કે છેલ્લાં 15 વર્ષથી સત્તા પર બેઠેલાં શેખ હસીના સરકાર વિરોધી એજન્ડા અને જનતાની સ્વાભાવિક નારાજગીના પડકારને કેવી રીતે પહોંચી વળે છે.

બાંગ્લાદેશ ઇસ્લામિક રાષ્ટ્ર છે અને ત્યાં જે રીતે અનામતને લઈ ને ભડકો થયો છે, એના પર આપણા દેશના કહેવાતા સુધારાવાદીઓ કેવી પ્રતિક્રિયા આપે છે, એ જોવું રહ્યું. બાંગ્લાદેશમાં આ ઘટના પછી તેની પ્રતીતિ થવી ઘટે. શેખ હસીનાએ થોડા સમય પહેલાં અમેરિકાના વિરોધમાં આકરી ભૂમિકા લીધી હતી. હાલની પરિસ્થિતિમાં અમેરિકા સહિત પાકિસ્તાન બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ આવનારા સમયમાં નવેસરથી કરી શકે છે એ સંભાવના નકારી શકાય નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક