• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

જાતિ જનગણના : માર્ગ મોકળો થવાની શક્યતા

લોકસભાની ચૂંટણી સમયથી ચાલ્યા આવતા જાતિગત વસ્તી ગણતરીના વિવાદનો સકારાત્મક અંત આવે એવા એંધાણ મળી રહ્યા છે. વિપક્ષો સતત જેની માગણી કરી રહ્યા છે તે જાતિ જન ગણનાની તરફેણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કરી છે. ઊંડી દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે કે સંઘે આ ગણતરીના પક્ષમાં પોતાનો મત રજૂ કરતાં સરકાર માટે થોડી સાનુકૂળતા સર્જાઈ છે. દરેક વાતને સીધી રાજકીય નજર અને પરિપ્રેક્ષ્યમાં જ જોવાની આપણી માનસિકતાને લીધે કેવા વિવાદ થઈ શકે તેનું આ ઉદાહરણ છે.

કેરળના પલક્કડ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક પછી પ્રચારક સુનીલ આંબેકરે કહ્યું કે લોક કલ્યાણની યોજનાઓમાં કોઈ ખાસ સમુદાય કે જાતિ વિશેષ પર  ધ્યાન આપવું હોય તો કેટલાક નિયત ડેટા (વિગતો) ની જરૂર પડે જ. અગાઉ થયેલા આવા પ્રયોગો ભવિષ્યમાં પણ ચાલુ રહે તે જરૂરી છે. આ ડેટા કે પ્રયોગનો રાજકીય હેતુથી દુરુપયોગ ન થાય તે જોવું રહ્યું.  સંઘના મંચ પરથી થયેલું આ વિધાન કે નિવેદન ઘણું અર્થસૂચક છે. ભાજપની સરકારના સાથી નીતીશ કુમાર અને ચિરાગ પાસવાન જાતિ જનગણનાની તરફેણ કરી ચૂક્યા પછી હવે ભાજપનું માર્ગદર્શક સંગઠન સંઘ પણ આ મુદ્દે વાત કરી રહ્યો છે.

જાતિ જનગણના શાસન ક્ષેત્રમાં આવે એમાં અમે શું કરી શકીએ? એવું સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડી એમ કે એ ચૂંટણી પૂર્વેથી આ મુદ્દો ઉપાડયો છે. લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી તો વારંવાર કહે છે, જાતિ વસ્તી ગણતરી થશે જ. અગાઉ ભાજપ આ બાબતે ગંભીર નહોતો.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને અપેક્ષિત બેઠકો મળી નહીં એટલે કદાચ સંઘ હવે આ બાબતે વહારે આવ્યો હોઈ શકે. જાતિ ગત વસતી ગણતરી જો તેના મૂળ ઉદ્દેશ્યને સાર્થક કરે અને ત્યાંથી આગળ ન વધે તો સાવ વર્જ્ય તો નથી.

રાજકીય પક્ષો તો સ્વાભાવિક રીતે પોતાના ગણિત માંડે. પ્રજા તરીકે કે દેશના અન્ય ક્ષેત્રો પણ દરેક વાતને રાજનીતિની દ્રષ્ટિથી જોવે એ ઉચિત નથી. ભારતની સદીઓ જૂની સંસ્કૃતિ, પરંપરા જોતાં એટલું તો નિશ્ચિત છે કે જ્ઞાતિ - જાતિથી તદ્દન પર રહી શકાય એમ નથી. લોકશાહીમાં જન જન સુધી સેવા - સુવિધાના લાભ પહોચાડવા હોય તો અમુક માહિતી તો પ્રશાસન પાસે, સરકારો પાસે હોવી જરૂરી છે. વસ્તી ગણતરી ફકત આંકડાકીય આયામ નથી. તેના થકી દેશની આર્થિક, સામાજિક સ્થિતિનો ચિતાર મળે છે.  મોટા પ્રમાણમાં વિગતો પ્રાપ્ત થાય છે અને શિક્ષણ, સ્વાસ્થ્ય, આવાસ જેવી પાયાની સુવિધા ક્યાં સુધી પહોંચી છે એનું ચિત્ર સ્પષ્ટ થાય છે.  જાતિવાદને સમર્થન ન હોય પરંતુ જાતિ જન ગણનાનો સમૂળગો વિરોધ તાર્કિક નથી. સૌએ ધ્યાન એટલું રાખવાનું કે આવી વિગતોનો ઉપયોગ રાજકીય લાભ માટે ન થાય. બધા પક્ષો, પ્રશાસન એટલું ધ્યાનમાં સદા માટે રાખે કે જેની ગણતરી થઈ છે તે નાગરિક છે. ફકત મતદાર નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024