• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વિકસિત અર્થતંત્ર : ખેતીક્ષેત્રે વધુ ખેડાણની જરૂર

ભારતની આર્થિક પરિસ્થિતિ આજે ઘણી મજબૂત અને વિશ્વસ્તરે નોંધપાત્ર છે તે નિર્વિવાદ છે. હવે જે લક્ષ્ય નક્કી કર્યાં છે ત્યાં પહોંચવા માટે વધારે સક્ષમ બનવાની પણ જરૂર છે. વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા માટે ભારતે પરિશ્રમ આદર્યો છે. હવેના ધ્યેયને પહોંચી વળવા માટે ભારતે મોટો કૂદકો લગાવવો પડશે. વિકાસદર બે આંકડામાં પહોંચાડવાનો પડકાર આપણી સમગ્ર વ્યવસ્થા, વેપાર ઉદ્યોગ પર છે. સરેરાશ વિકાસદર વૃદ્ધિ આઠ ટકાની આસપાસ રહેતો આવ્યો હોવાથી વિકસિત દેશ બનવાના મનોરથને ભારત સાકાર કરી શકે તેવી સંભાવના ઘણી બળવત્તર છે. સહિયારા અને સાતત્યપૂર્ણ પ્રયાસો અનિવાર્ય છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રણ માસમાં જીડીપી ઘટીને 6.7 ટકા નોંધાયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 8.2 ટકા રહ્યો હતો. કૃષિક્ષેત્રમાં નબળા દેખાવની અસર આ જીડીપી પર પડી હોવાનું તારણ છે.

આ બધાં વચ્ચે ભારત માટે આનંદની બાબત એ છે કે, દુનિયામાં વિકાસ દર સૌથી વધુ રહે છે. એપ્રિલથી જૂન મહિના દરમ્યાન ચીનનો વિકાસ દર માત્ર 4.7 ટકા રહ્યો હતો, તો યુરોપના અન્ય વિકસિત દશોનો જીડીપી પણ ભારત કરતાં ઓછો રહ્યો હતો. આમ વૈશ્વિક સ્થિતિમાં ભારતનો આ દેખાવ ખરા અર્થમાં નોંધપાત્ર બની રહ્યો હતો. નેશનલ સ્ટેટેસ્ટિક્સ બ્યૂરોના આંકડા મુજબ ભારત માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ ભારે અનિવાર્ય બની રહેતો હોય છે. આ વખતે પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન વિકાસ દરમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો માત્ર બે ટકા રહ્યો છે, જે ગયાં વર્ષે એપ્રિલથી જૂન મહિનાના ગાળામાં 3.7 ટકા હતો. 

એમાં કોઇ શંકા નથી કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવના રહેલી છે, પણ કમભાગ્યે આ ક્ષેત્રમાં સમસ્યાઓ પણ અપાર રહેલી છે. અન્ય ક્ષેત્રોમાં પણ પડકારો વધુ રહ્યા છે. આ વખતે કુદરતી ગેસ અને ક્રુડ તેલના ઉત્પાદનમાં ઘટાડાને લીધે અર્થતંત્ર માટે ચાવીરૂપ આઠ ક્ષેત્રનો દેખાવ અસર પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાયાના આ ચાવીરૂપ ઉદ્યોગોમાં વિકાસ દર 6.1 ટકા રહ્યો હતો. આ વિકાસ દર ગયાં વર્ષે આ સમયગાળા દરમ્યાન 6.7 ટકા નોંધાયો હતો. પાયાના ઉદ્યોગોના ઉત્પાદનની પારાશીશી સમાન આઇઆઇપી આંક 40.27 ટકા છે. આ આંકના આધારે આઇઆઇપીમાં વધારા કે ઘટાડાની ગણતરી સામે આવતી હોય છે. ખરેખર તો દેશને વિકસિત બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા ભારતે સેવા, ઉદ્યોગ અને કૃષિ એમ ત્રણે ક્ષેત્રમાં નીતિલક્ષી, નાણાંકીય અને વ્યવસ્થાલક્ષી સુધારા તાકીદે અમલમાં મૂકવા શરૂ કરવા જોઇશે.  સરકારે આર્થિક વિકાસના તમામ પાસા પર ધ્યાન આપીને જીડીપીમાં જરા પણ સુસ્તી આવે નહીં તે માટે સતત સતર્ક રહેવાનો સમય પાકી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024