• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સેમીકંડક્ટર ક્ષેત્રે વિકાસનો સુદૃઢ સંકલ્પ

ભારતમાં અમારે અનેક સિંગાપોર બનાવવા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ વિધાનમાં મહત્વાકાંક્ષા નહીં પરંતુ દેશના વિકાસને વેગ આપવા માટેનો મનોરથ અને આત્મવિશ્વાસ પ્રગટ થયો છે. સિંગાપોર અને ભારત વચ્ચે ચાર ‘એમઓયુ  થયા છે. બન્ને દેશ ડિજિટલ ટેક્નોલોજી, સેમીકન્ડક્ટર ઈકો સિસ્ટમ ભાગીદારી, સ્વાસ્થ્ય અને સારવાર, કૌશલ્ય વિકાસ અને શૈક્ષણિક સહયોગના ક્ષેત્રે સાથે કામ કરશે. સિંગાપોરના વડાપ્રધાન લોરોન્સ વોંગ અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી મોદીએ કહ્યું કે સિંગાપોર ફક્ત ભાગીદાર દેશ નથી પરંતુ વિકાસશીલ ગણાતા દરેક દેશ માટે સિંગાપોર પ્રેરણા છે.

સેમીકન્ડક્ટર ઘટકોનું ઉત્પાદન અને તેનો વ્યાપ વધારે સુલભ બનાવવા માટે ભારત અને સિંગાપોરની કંપનીઓમાં સંયુક્ત ઉપક્રમો સ્થપાયા છે. સિંગાપોરની ઉત્પાદન ક્ષમતા અને ભારતનું વિસ્તરતું બજાર આ બન્નેનો ફાયદો એકબીજાને મળે તેવી અપેક્ષા જીવંત થઈ છે. સેમીકન્ડક્ટકર ટેક્નોલોજીમાં નાવીન્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બન્ને દેશ સંશોધન અને વિકાસ ક્ષેત્રે રોકાણ કરશે. કોરોના સમયમાં અલગ અલગ કારણોથી વૈશ્વિક સ્તર પર સ્થગિત થઈ ગયેલા સેમીકંડક્ટર પુરવઠાની પેનલ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય તે આ કરારનો હેતુ છે. સ્વાસ્થ્યક્ષેત્ર સમસ્ત વિશ્વમાં વિકાસશીલ છે. ભારત અને સિંગાપોર બન્ને દેશો પણ તેમાંથી બાદ નથી. ટેલિમેડિસિન ક્ષેત્રે પણ બન્ને વચ્ચે સહકાર સ્થપાશે. આરોગ્યસેવા પ્રવેશ અને શિક્ષણ સુધારવા માટે આધુનિક ટેક્નોલોજીનો લાભ પણ બન્ને લેશે. સંશોધન, વિકાસ, ઉત્પાદન પર ક્ષમતાઓ કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ્સ એ બાયોટેક્નોલોજીમાં સહકાર પર ભાર મૂકાયો છે.

આ કરારનો મૂળ હેતુ અત્યંત આવશ્યક દવાઓ તથા વેક્સિનનું ઉત્પાદન વધે, આરોગ્ય સામે આવતા પડકારોનો સામનો થઈ શકે તે પણ છે. ભારત અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સૌથી અગત્યનું એ છે કે ભારતની પોતાની સેમીકન્ડક્ટર પુરવઠા ચેનલ ઊભી કરવાની આવશ્યકતા છે કારણ કે ચીને ભારતના ઈલેક્ટ્રિક ગ્રીડને નિશાન પર લીધી હતી. ભારત અત્યારે સક્ષમ છે. વિદેશી ત્રોતો પર અવલંબન રાખવાને બદલે સેમીકંડક્ટરની પોતાની ચેનલ ઊભી થાય, તેનું ઉત્પાદન થાય તે જરૂરી છે. આધુનિક યુદ્ધ પદ્ધતિમાં એક ‘સાયબર વોરપણ છે. માહિતી અને ટેક્નોલોજી જ્યાં અગત્યની છે. આ નવા યુદ્ધના સંદર્ભે સેમીકંડક્ટર ટેક્નોલોજી સુરક્ષિત બને તે અગત્યનું છે.

ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતનો વિકાસ વિશ્વ ફાટી આંખે જોઈ રહ્યું છે. ટેલિકોમ, કોમ્પ્યુટર-આઈ.ટી. અને હવે સેમીકંડક્ટર સહિતની બાબતો. છતાં હજી ઘણું કરવાનું છે. આત્મનિર્ભરતા આ ક્ષેત્રે પણ કેળવવાની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024