• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

રેલવે વિકાસનું એન્જિન

રેલવેની દૃષ્ટિએ 2024-25નું બજેટ આશાઓ પર ખરું ઠર્યું છે. બજેટ ભાષણમાં બેશક એકાદ જગ્યાએ જ રેલવેનો ઉલ્લેખ કરવામાં આવ્યો પરંતુ આર્થિક સર્વેક્ષણના સંદર્ભમાં બજેટને જોઈએ, તો આમાં રેલવેથી સંકળાયેલી અનેક ઘોષણાઓ અને પ્રોત્સાહન છે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઔદ્યોગિક કોરિડોર, હૈદરાબાદ-વારંગલ ઔદ્યોગિક કોરિડોર જેવી યોજનાઓને રેલવેમાં ખાસ્સું મહત્ત્વ મળ્યું છે. બિહારનાં પર્યટન સ્થળોને લઈ કરવામાં આવેલી ઘોષણાઓમાં પણ રેલવેનો વિકાસ સામેલ છે. નાણાપ્રધાને બજેટમાં જે ત્રણ નવ પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કર્યો છે, તેમાંથી ત્રણ-શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા અને મૂળભૂત માળખામાં પણ રેલવેની ભાગીદારી છે. શહેરી વિકાસ અંતર્ગત દસ લાખથી અધિક વસ્તીવાળાં ચાર મોટાં શહેરોમાં ટ્રાન્ઝિટ ઓરિયેન્ટેડ ડેવલપમેન્ટ એટલે કે અવરજવરની દૃષ્ટિથી વિશ્વસનીય ઝડપી સેવાઓના વિસ્તારની જે કલ્પના કરવામાં આવી છે, તેમાં વધુ ભાર મેટ્રો, પરાંની લોકલ સેવાઓ પર જ રહેશે.

આવી જ રીતે, ઊર્જા સુરક્ષામાં પ્રાથમિક્તા અક્ષય ઊર્જાને આપવામાં આવી છે, જેનાથી સ્વાભાવિક રીતે ભારતીય રેલ કાર્બન મુક્ત થઈ જશે. અત્યાર સુધી રેલવેમાં 96 ટકાથી વધુ વિદ્યુતીકરણનું કામ પૂરું થઈ ગયું છે. હવે તો હાઈડ્રોજન ટ્રેન ચલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. મૂળભૂત માળખાના વિકાસની વાત કરીએ તો રેલવેની મલ્ટી પ્લાયર ઈફેક્ટ સૌથી વધારે બતાવવામાં આવી છે. મલ્ટી પ્લાયર ઈફેક્ટનો અર્થ છે કે એક રૂપિયાના રોકાણમાં કેટલા રૂપિયાનો લાભ મળી શકે છે. બજેટ અનુસાર રેલવેનો સૌથી વધારે સાડા ત્રણ ગણો મલ્ટી પ્લાયર ઈફેક્ટ છે એટલે કે અહીં રોકાણના સાડા ત્રણ ગણો ફાયદો થઈ શકે છે.

અમૃત ભારત યોજના અંતર્ગત રેલવે સ્ટેશનોનો વિકાસ, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ પ્રોજેક્ટ પર ભાર અને માલગાડીઓ માટે સમર્પિત માલ કોરિડોર એટલે કે ફ્રેટ કોરિડોરનો પણ બજેટમાં ઉલ્લેખ છે. ક્ષમતા વિસ્તાર અંતર્ગત રેલવે ટ્રેકમાં સુધાર, વિદ્યુતીકરણ અને ડબા અને રેલ એન્જિનોનું ‘અપગ્રેડેશન’ પણ સુખદ છે. હવે તો 12 હજાર હોર્સપાવરનાં એન્જિન પણ આપણે બનાવવા લાગ્યા છીએ. અમૃત અને વંદે ભારત ટ્રેનોના ઍરકન્ડિશન ડબાઓ હવે અધિકાધિક બનાવવામાં આવી રહ્યા છે.

નાણાપ્રધાનના બજેટ ભાષણ અનુસાર રેલવેમાં ઉતારુઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓની પર્યાપ્ત આપૂર્તિ, સાફસફાઈ, બહેતર સેવાઓ અને ઊર્જા દક્ષતા પર ધ્યાન અપાશે. આ માટે રોકાણ વધારવાની સાથોસાથ હાઈસ્પીડ ટ્રેનોના સંચાલન પર ભાર મૂકવામાં આવ્યો છે. વાસ્તવમાં, બજેટમાં રેલવેના બહુઆયામી વિકાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એમ માનવામાં આવ્યું છે કે ભારતીય રેલવે ખરેખર દેશના વિકાસનું એન્જિન છે.

ઇ-પેપરના નવા શુલ્ક