• સોમવાર, 30 ડિસેમ્બર, 2024

હેલમેટ મુદ્દે હાઈ કોર્ટની ફરી ટકોર

વર્ષો પહેલાં, વર્ષોથી વિવાદનો વિષય બનેલી હેલમેટ મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે ફરી આકરું વલણ બતાવતાં સરકાર માટે વિમાસણ સર્જાઈ છે. તહેવાર ચાલી રહ્યા છે ત્યારે જ કોર્ટે હેલમેટ માટે સરકારને સખ્ત કાર્યવાહી કરવા માટે કહ્યું છે. જો કે આખા રાજ્યમાં તેનો અમલ થવાનો છે કે પછી અમદાવાદ પૂરતી વાત મર્યાદિત છે તે હજી નક્કી નથી. હેલમેટનો કાયદો અમલમાં તો છે પરંતુ ચુસ્ત પાલન થતું નથી. માર્ગ અકસ્માતોની વધતી સંખ્યા પણ ચિંતાજનક છે. આ સ્થિતિમાં કોઈ નિવેડો જરૂરી પણ છે. જો કે જનગણમાં હેલમેટ સામેનો વિરોધ તો એક દાયકા પૂર્વે હતો તેટલો જ આજે પણ છે કારણ કે શહેરી વિસ્તારમાં હેલમેટ રાખવાની પ્રતિકૂળતા અનેક છે.

રાજ્યમાં હેલમેટના કાયદાના ઉલ્લંઘન અંગે ગુજરાત હાઈ કોર્ટે પોલીસને સખત શબ્દમાં તાકીદ કરી છે, એમ કહીએ કે ઠપકો આપ્યો છે. કોર્ટની ખંડપીઠે કહ્યું છે કે હેલમેટ પહેરવાના કાયદા-િનયમનું ચુસ્ત પાલન થવું જોઈએ. જે લોકો દ્વીચક્રી વાહન પર હેલમેટ વગર નીકળે તેમને જવા દેવા ન જોઈએ, ફક્ત દંડ ભરીને તેઓ ચાલ્યા જાય તે પણ યોગ્ય નથી. હેલમેટ ન પહેરે તેમને રસ્તા પર ઊભા રાખવા જોઈએ. કોર્ટે એવું મૌખિક સૂચન કર્યું કે જો નાગરિકો હેલમેટ વગર હશે, જેમને પોલીસ રોકશે અને નોકરી કે ધંધાના સ્થળે જવાનું મોડું થશે તો બીજા દિવસથી આપોઆપ તેઓ કાયદાનું પાલન કરવા પ્રેરાશે. જો કે હેલમેટ માટે તો શું, લાયસન્સ કે પીયુસી માટે પણ પોલીસ જ્યારે વાહનચાલકોને રોકે ત્યારે દૃષ્યો શું હોય છે તે સૌ જાણે છે. કોર્ટે હેલમેટ નિયમભંગ કરનારનું નિયમન કરવા માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. ત્રણ વાર જો હેલમેટનો કાયદો કોઈ તોડે તો તેનું વાહનનું લાયસન્સ રદ કરવા સુધીની વાત છે. આરટીઓને તેમાં સ્વાભાવિક રીતે સામેલ કરાઈ છે. આખા રાજ્યમાં તેનો અમલ કરવાનું ક્યારથી શરૂ થશે તે અંગે હજી સ્પષ્ટતા નથી. અમદાવાદમાં તો હેલમેટ વગર ફરતા વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ પણ થઈ ગયું છે. અન્ય શહેરોમાં અમલ ક્યારે થાય તે જોવાનું છે.

અલબત્ત દેશના અન્ય શહેરોની જેમ ગુજરાતના શહેરોમાં ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. દલીલ એવી છે કે શહેરમાં વાહનની ગતિ જ એવી નથી હોતી કે અકસ્માત થઈ શકે. હાઈ-વે પર વાહન ચલાવતી વખતે હેલમેટ ફરજિયાત હોય તે સમજી શકાય પરંતુ શહેરમાં તેની પ્રતિકૂળતા વધારે છે. ક્યાંય તે સાચવવી, બાઈક-સ્કૂટરમાં ક્યાં રાખવી વગેરે અને વ્યવહારુ પ્રશ્નો નડે છે. લગભગ દોઢ દાયકાથી આ હેલમેટના કાયદાનો અમલ થવો-ન થવો એવું ચાલુ છે. વાહનચાલકોની સુવિધા માટે જ આ કાયદો છે તે પણ નક્કર હકીકત છે. અકસ્માતમાં ગંભીર ઈજા નિવારવા માટે નિયમ હોવા પણ જોઈએ. કોર્ટ કે પોલીસનો અહીં કોઈ અંગત સ્વાર્થ નથી પરંતુ લોકોને સલામતી કરતાં કદાચ સગવડની અગ્રતા વધારે છે. કોર્ટે આ વલણ અપનાવ્યું છે. તહેવાર ચાલુ છે. વાહનચાલકો મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે, આ સ્થિતિમાં હવે પોલીસની સ્થિતિ થોડી

કફોડી થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક