બોરનાં
ખનન વખતે જમીન ફાટી અને આખો ટ્રક સમાઈ ગયો
પાણીનાં ઊંચા ફુવારાથી લોકો અચંબિત : વિહિપે
સરસ્વતી સપાટી ઉપર આવ્યાનો કર્યો દાવો
નવીદિલ્હી,
તા.29 : જૈસલમેરનાં નહરી વિસ્તારનાં મોહનગઢમાં ડાર(બોર)નાં ખનન દરમિયાન અચાનક જ જમીન
ધસવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન ખનન કરતો ટ્રક આખો ઊંડા ખાડામાં સમાઈ ગયો હતો
અને ફાટેલી જમીનમાંથી ધોધમાર પાણી વહી નીકળ્યું હતું. ત્રણથી ચાર ફૂટ ઊંચા પાણીનાં
આ ફુવારાને જોઈને લોકો અચંબિત થઈ ગયા હતા. રણ જાણે જળમગ્ન બનવા લાગ્યું હતું. આ ઘટના
પછી લુપ્ત થઈ ગયેલી સરસ્વતી નદીનું વહેણ મળી આવ્યું હોવાનો દાવો થવા લાગ્યો છે!
ભૂજળ
વિજ્ઞાની એન.ડી. ઈનખિયાનાં નેતૃત્વમાં એક ટીમ પણ આ ઘટના પછી ત્યાં દોડી ગઈ હતી. ઇનખિયાએ
કહ્યું હતું કે, એક ટ્રક આખો અંદર ધસી જાય એટલી ફાટેલી જમીન અને તેમાંથી ફૂટી નીકળેલા
પાણીનાં ફુવારાએ ભારે અચરજ ફેલાવ્યું છે. પૌરાણિક માન્યતા અનુસાર જૈસલમેરમાં ભગવાન
શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી જૈસલ કૂવાને ખોદ્યો હોવા ઉપરાંત અહીં સરસ્વતી નદી પણ હતી.
જો કે હાલનાં પ્રાથમિક તબક્કે પાણીનાં આ વહેણને સરસ્વતી સાથે જોડી દેવું ઉતાવળીયું
લેખાશે. આ ગહન તપાસનો વિષય છે અને અધ્યયન પછી જ કંઈપણ કહી શકાશે.
આ ઘટના
પછી સોશિયલ મીડિયામાં પણ પ્રતિક્રિયાઓ ઊઠી છે. વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રવક્તા વિનોદ
બંસલે પણ એક્સ ઉપર ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, રાજસ્થાનમાં એક સમયે જ્યાં
સરસ્વતીનાં નીર વહેતાં હતાં અને સદીઓ પછી આ વિલુપ્ત નદી આજે ફરીથી સપાટી ઉપર ઊઠી છે.