સુપ્રીમનાં
ન્યાયમૂર્તિ મિશ્રાએ કહ્યું, આવી ઉશ્કેરણી બંધારણીય આદર્શ અને લોકતંત્ર માટે પડકારજનક
નવીદિલ્હી,
તા.29: સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રાએ ગુજરાતનાં વડતાલમાં અખિલ
ભારતીય અધિવક્તા પરિષદ(એબીએપી)ની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં ધર્મ, જાતિ અને જાતીયતાનાં
આધારે વધેલી વિભાજનકારી નિવેદનબાજી સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે
પરસ્પર ભાઈચારો અને બંધારણીય આદર્શ માટે આને મોટો પડકાર પણ ગણાવ્યો હતો.
તેમણે
કહ્યું હતું કે, જે પ્રકારની નિવેદનબાજી થઈ રહી છે તે ભારતીય બંધારણમાં વર્ણિત એકતાની
ભાવનાને કમજોર કરે છે. જસ્ટિસ મિશ્રાએ ચેતવણી પણ આપી હતી કે, ઓળખનું રાજકારણ મોટાભાગે
મત મેળવવા માટે કરવામાં આવે છે. જે સામાજિક વિભાજનને વધુ ઉંડુ કરે છે. જેનાથી બહિષ્કાર,
ભેદભાવ અને ઘર્ષણ પેદા થાય છે. તેમણે બંધુત્વની ભાવનાને એવું એકીકૃત સૂત્ર ગણાવ્યું
હતું જે ભારતનાં લોકતાંત્રિક માળખાની ભીતર સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયનાં આદર્શોને
જોડી રાખે છે.
જસ્ટિસ
મિશ્રાએ નફરત ફેલાવતા ભાષણ, ફેક ઈન્ફોર્મેશન અને વિભાજનકારી, ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવામાં
ડિજીટલ ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની હાનિકારક ભૂમિકા ઉપર પણ પ્રકાશ ફેંક્યો હતો અને
કહ્યું હતું કે, આનાથી સામાજિક તનાવ અને અવિશ્વાસ વધ્યો છે.