• ગુરુવાર, 02 જાન્યુઆરી, 2025

બર્ફીલા પવન ફૂંકાતા સૌરાષ્ટ્ર ઠૂઠવાયું : ગિરનાર 4, રાજકોટ 9.3 ડિગ્રી

જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના : તાપણા વગર નહીં નીકળે મહિનો !

રાજકોટ, તા.29:

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયા બાદ હવે ધુમ્મસની ચાદર છવાઇ છે તેમજ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશના અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વર્ષની સૌથી ભારે હિમવર્ષા પડી છે, જેથી ત્યાંના ઠંડા બરફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ ઠૂઠવાયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઠંડા પવન ફૂંકાતા ગિરનાર પર્વત પર તાપમાન 4 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓ થંભી ગયા છે તેમજ રાજકોટમાં પણ 9.3 ડિગ્રી તાપમાન થતા દિવસભર લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા.

ગુજરાતના કેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદી આફત બાદ ફરી એક વખત તાપમાન નીચું ગયું છે. ખાસ કરીને દિવસ દરમિયાન અરબ સાગર તરફથી આવતા ભેજ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું હોવાથી મહત્તમ તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દિવસ દરમિયાન વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેને કારણે સૂર્યપ્રકાશ લગભગ જમીન સુધી પહોંચતો નથી, તેથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, તથા લઘુતમ તાપમાનમાં પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે, જેથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આગામી 48 કલાક ઠંડીનું જોર યથાવત્ રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું એટલે કે, 9.3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. ગુજરાતમાં ઠંડી વધારે પડે તેનું સૌથી મોટું કારણ ઉત્તર ભારતના રાજ્યો હોય છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો થાય અને બરફના થર જામે ત્યાર પછી જ ગુજરાતમાં કાતિલ ઠંડી પડતી હોય છે. પહાડી રાજ્યોમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે અને સહેલાણીઓ આ બરફની મજા ઉઠાવી રહ્યા છે. પરંતુ આ જ સ્નોફોલથી હવે ગુજરાતીઓએ કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હાલ માગસર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં માવઠાની આગાહી કરાઈ હતી. ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી બાદ હવે ઠંડીનો ચમકારો વધશે. પહાડી પ્રદેશોમાં કાતિલ હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે હવે ગુજરાતમાં બે બે સ્વેટર પહેરવા પડે તેવી ઠંડી પડશે. કચ્છનું નલિયા તો જાણે ઠુઠવાઈ જ જવાનું છે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે.

જૂનાગઢ: માવછાની સીસ્ટમ મંદ પડી ત્યાં બરફ વર્ષાને કારણે તાપમાનનો પારો એક દિ’માં 7 ડિગ્રી નીચે ઉતરી શહેરમાં 8.6 ડિગ્રીએ પહોંચતા સર્વત્ર કોલ્ડવેવ છવાયો હતો. કાતિલ ઠંડીથી બચવા લોકો તાપણા અને ગરમ વત્રમાં ઢંકાયા છે. ગિરનાર પર્વત્ર ઉપર તાપમાન 4 ડિગ્રીએ પહોંચતા ગિરિકંદરા, ભવનાથ તળેટીમાં બર્ફિલો માહોલ છવાતા પ્રવાસીઓ થંભી ગયા છે. ઠંડીથી સ્વૈચ્છીક-કરફયુ જેવી સ્થિતિ સર્જાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક