થાઇલેન્ડથી
પાછાં ફરેલાં વિમાનમાં મુઆન એરપોર્ટ પર ઉતરાણ વખતે પૈડાં ન ખૂલ્યાં; બેરિકેડિંગમાં
ટકરાયું, તૂટયું અને આગ લાગી
સિયોલ,
તા. 29 : દુનિયાભરમાં ચર્ચા જગાવનાર વધુ એક ખતરનાક હવાઇ દુર્ઘટનાથી દક્ષિણ કોરિયામાં
ભારે અરેરાટી ફેલાઇ છે. જેજૂ એરલાઇન્સનું એક વિમાન રવિવારની સવારે મુઆન ઇન્ટરનેશનલ
એરપોર્ટ પર તૂટી પડતાં સર્જાયેલા લોહિયાળ અકસ્માતમાં 179 યાત્રીના કરપીણ મોત થઇ ગયાં
હતાં, તો અન્ય અનેક યાત્રી ગંભીર હદે ઘાયલ થયા હતા. મરણાંક હજુ વધવાની ભીતિ વ્યક્ત
કરાઇ હતી. બોઇંગ 737-800 વિમાન થાઇલેન્ડથી પરત ફરી રહ્યું હતું, ત્યારે કાળજાં કંપાવી
દેનારી આ દુર્ઘટના બની હતી.
આ વિમાન
દુર્ઘટનાના બે વીડિયો સામે આવ્યા છે, જેમાંથી એકમાં જોઇ શકાય છે કે, વિમાન રન-વે પર
ઉતરાણ કરી રહ્યું હોય છે, ત્યારે અચાનક રન-વે પર લપસી જઇને બેરિકેડીંગ સાથે ટકરાઇ જાય
છે. તૂટયા બાદ વિમાન આગના ગોળામાં ફેરવાઇ ગયું હતું.
બીજા
વીડિયોમાં કારનો એક કાફલો જતો દેખાય છે, જેની પાછળ તૂટી પડેલાં વિમાનમાંથી આગની જ્વાળાઓ
અને ધુમાડા નીકળતા દેખાય છે.
વેંડિંગ ગિયરમાં યાંત્રિક ખામી આવી જતાં એરપોર્ટ ઉતરાણ કરતી
વખતે વિમાનના પૈડાં ખુલી શક્યાં નહોતાં.
અહેવાલ
અનુસાર દુર્ઘટનાથી પહેલાં મુઆન એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા વિમાન સાથે પક્ષી
ટકરાવાનું એલર્ટ મળ્યું હતું.
એરપોર્ટ
પર ઉતરાણ માટે બેવાર પ્રયાસ કરાયા હતા. પહેલીવારમાં લેન્ડિંગ ગિયર નહીં ખૂલવાથી ઉતરાણ
કરી શકાયું નહોતું.
આખરે
પાઈલટે બીજીવાર વિમાનને લેન્ડિંગ ગિયર વગર જ બેલીલેન્ડિંગ એટલે કે, વિમાનની બોડીના
બળે ઉતરાણ કરાવવાનો ફેંસલો કર્યો હતો.
કેટલાક
અહેવાલોમાં વિમાન સાથે પક્ષી ટકરાતાં લેન્ડિંગ ગિયર ખરાબ થઇ ગયાં અને પૈડાં ખૂલી શક્યાં
નહોતાં, તેવો દાવો કરાયો હતો.
આગ
પર કાબૂ મેળવતાં પોણો કલાક લાગી ગયો હતો, ત્યાં સુધીમાં વિમાન આખેઆખું સળગીને રાખ થઇ
ગયું હતું.
દરમ્યાન
જેજૂ એરલાઇન્સના સીઇઓ કિમ ઇ-બેએ માફી માગતાં કહ્યું હતું કે, દુર્ઘટના પાછળ જે પણ કારણ
હોય, તે પરંતુ સીઇઓ તરીકે હું પૂરી જવાબદારી લઉં છું.
---------------
5 દિવસમાં
2 વિમાન ક્રેશ : કોઈ ભેદી હુમલા થયા ?
નવીદિલ્હી,
તા.29: દક્ષિણ કોરિયા પહેલા બુધવારે કઝાકિસ્તાનથી રશિયા જતાં વિમાનની દુર્ઘટનામાં
38 લોકોનાં મોત થયા હતાં. આ દુર્ઘટના પછી દાવો થયો હતો કે, કઝાકિસ્તાનનાં અત્કાઉ પાસે
દુર્ઘટનાગ્રસ્ત બનેલું વિમાન વાસ્તવમાં રશિયાની મિસાઈલ કે અન્ય કોઈ ભેદી હુમલાનો શિકાર
બન્યું હતું. આ વિમાન અઝરબૈજાન એરલાઈન્સનું હતું અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુતિને અઝરબૈજાનનાં રાષ્ટ્રપતિ ઈલ્હામ અલયેવની માફી પણ માગી હતી. જો કે તેમાં કોઈ ભેદી
હુમલાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. આ વખતે દક્ષિણ કોરિયાની
દુર્ઘટના પછી પણ લોકો અનેક પ્રકારની શંકાકુશંકાઓ વ્યક્ત કરી રહ્યાં છે. લોકો કહી રહ્યાં
છે કે, દુનિયામાં ચાલતી લડાઈઓ વચ્ચે આવી રીતે વિમાનોને ફૂંકી નાખીને રાજકીય હેતુઓ પાર
પાડવામાં આવી શકે છે.
------------------
કેનેડામાં
તાકીદનાં ઉતરાણ બાદ વિમાનમાં આગ લાગી
નવી
દિલ્હી, તા. 29 : કેનેડામાં પણ એક વિમાનને તાકીદનું ઉતરાણ કરવું પડયું હતું. હૈલિ ફૈક્સ
એરપોર્ટ પર પીએએલ એર લાઈન્સનું વિમાન શનિવારની મોડી રાત્રે તૂટતાં માંડ માંડ બચ્યું
હતું. ઉડાનમાં સવાર તમામ યાત્રીને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. તાકીદનાં ઉતરાણ બાદ
વિમાનમાં આગ લાગી હતી. ઉતરાણમાં જરા પણ વિલંબથી મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
-----------
નોર્વેમાં
વિમાન રન-વે
પર
લપસતાં ઉચાટ
નવી
દિલ્હી, તા. 29 : નોર્વેનાં ઓસ્લો ટોર્પ સૈંડફિયોર્ડ એરપોર્ટ પર શનિવારની મોડી રાત્રે
કેએલએમ
રોયલડચ
એરલાઈન્સનું વિમાન તાકીદનાં ઉતરાણ દરમ્યાન રન-વે પર લપસી પડતાં ઉચાટ ફેલાયો હતો.
ઓસ્લોથી
એમ્સ્ટર્ડમ જઈ રહેલાં વિમાનની હાઈડ્રોજન સિસ્ટમમાં યાંત્રિક ખામી આવી ગઈ હતી. વિમાનમાં
કુલ 182 યાત્રી સવાર હતા.