ખાનગી
કંપનીની પાઈપલાઈનમાંથી લીકેજની દુર્ઘટનાથી મજૂરોમાં નાસભાગ મચી ગઈ’તી
ચારેય
મૃતકોના પરિવારને 25 લાખની સહાય
વડોદરા,
તા.ર9 : ભરુચ જીલ્લામાં વધુ એક ઔદ્યોગિક દુર્ઘટના
ઘટી હતી. ભરુચ જીલ્લાના દહેજ ગામે આવેલી ખાનગી કંપનીમાં શનિવારે રાત્રીના એકાએક પાઈપલાઈનમાંથી
ગેસ લીકેજ થતા ભારે અડફાતફડી મચી ગઈ હતી અને મજુરોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન ચાર
મજુરો ગેસ લીકેજની દુર્ઘટનામાં બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર
દરમિયાન મૃત્યુ નિપજયા હતા. આ બનાવના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તપાસનો
ધમધમાટ શરૂ કર્યે હતો.
આ અંગેની
વિગત એવી છે કે, દહેજ ગામે આવેલી ગુરાજ ફલોરોકેમિકલ્સ
કંપનીમાં શનિવારે રાત્રીના પ્રોડકશનનું વિભાગમાં કામ ચાલતું હતું. ત્યારે ફલોરો મીથાઈલ
પ્લાન્ટ સીએમએસના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી રીસાઈકલ કોલમની ટોપ કન્ડેન્સર પાઈપલાઈન એકાએક લીકેજ થઈ હતી અને ગેસ લીકેજની ઘટનાથી મજુરોમાં
નાસભાગ મચી ગઈ હતી. જેમાં ગેસ લીકેજની તીવ્ર
અસરના કારણે કામ કરતા કર્મચારી રાજેશ મગણાદીયા, અને ત્રણ કોન્ટ્રાકટ કામદારો મહેશ નંદલાલ, સુચિત પ્રસાદ અને મુદ્રિકા
યાદવ બેભાન થઈ જતા ભરુચની ખાનગી હોસ્પિટલમાં
ખસેડાયા હતા. જેના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા હતા.
આ ઘટના
રાત્રીના બની હોવા છતાં ખાનગી કંપની દ્વારા
વહેલી સવાર સુધી તંત્રને જાણ કરવામાં આવી ન્હોતી અને વહેલી સવારે જાણ થતા પોલીસ તેમજ
ઈન્ડ. સેફટી એન્ડ હેલ્થ, જીલ્લાતંત્રના અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. પોલીસે ચારેય
મજુરોના મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવના પગલે મજુરોના પરિવારમાં
અરેરાટી વ્યાપી ગઈ હતી અને અન્ય સાથી મજુરોમાં શોક વ્યાપી ગયો હતો.
આ બનાવ
અંગે ઈન્ડ.સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબીનો સ્ટાફ દહેજની કંપનીમાં પહોંચ્યો હતો અને
તપાસ ગેસ લીકેજ સહિતના મામલે તપાસ હાથ ધરી હતી અને આ બનાવના પગલે કંપની દ્વારા ચારેય
મૃતકોના પરિવારને રૂ.રપ લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. પોલીસ તેમજ અન્ય તંત્ર
દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં
આવ્યો હતો અને કંપનીની કોઈ બેદરકારી સહિતની બાબતો સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી
કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.
અત્રે
ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક ભરુચ જીલ્લામાં ડીસેમ્બરની શરૂઆતમાં અંકલેશ્વર જીઆઈડીસીની
ડીટોકસ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર મજુરોના મૃત્યુ નિપજયા હતા અને આજે મહીનાના અંતમાં
વધુ ચાર મજુરોના મૃત્યુ નિપજયા હતા.