કારમાં
અન્ય વ્યક્તિએ લખાણ લખ્યા સંદર્ભે તપાસ
રાજકોટ,
તા.ર9 : મોરબી હાઇ વે પરનાં ગૌરીદડ ગામના ગ્રામજનો અને મારવાડી કોલેજના આફ્રિકન વિદ્યાર્થીઓ
વચ્ચે બજારમાં વાહન સામસામે આવી જવા મામલે માથાકૂટ થઈ હતી. દરમિયાન આફ્રિકન વિદ્યાર્થીઓ
ગૌરીદડ ગામમાં ન આવે તે સહિતના મામલે પલીતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને
કોઈના દ્વારા કારના કાચમાં ભારત દેશ વિશે અભદ્ર ભાષામાં લખાણ લખવામાં આવ્યું હતું અને
આ લખાણ આફ્રિકન વિદ્યાર્થીઓએ લખ્યાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. આ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કારના કાચમાં
સ્થાનિક વ્યક્તિ દ્વારા આ લખાણ લખવામાં આવ્યું હોવાનું ખૂલતા વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, ગૌરીદડ ગામમાં ગત તા.ર8/1રના રાત્રીના ગ્રામજનો અને મારવાડી કોલેજના
આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ગ્રામજનોએ એવા
આક્ષેપો કર્યા હતા કે ગામમાં આવેલા આફ્રિકન વિદ્યાર્થીઓએ કારના કાચમાં અભદ્ર ભાષામાં
લખાણ લખ્યું હતું અને બાદમાં બન્ને પક્ષે મામલો બીચક્યો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ
મીડિયામાં વાયરલ થયો હતો અને બનાવ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.
આ બનાવ
અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં શનિવારની રાત્રે ગૌરીદડ ગામની મુખ્ય બજારમાં રતનપર ગામે રહેતો જેફરસન નામનો લાઇબિરિયા દેશનો વિદ્યાર્થી
તેની બે બહેન સાથે બાઇકમાં મેડિકલ સ્ટોરે દવા લેવા ગયો હતો ત્યારે બજારમાં સામેથી રવિભાઈ
નામની વ્યક્તિ કાર લઈને આવતા ટ્રાફિક હોવાનાં કારણે બન્ને વાહન સામસામે આવી ગયા હતા.
દરમિયાન જેફરસનનું બાઇક બંધ પડી જતાં અને સાઇડમાં લેવામાં થોડીવાર લાગતા કારચાલક રવિભાઈ ઉશ્કેરાયો હતો અને
બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં રવિભાઈએ જેફરસનને છાતીમાં લાકડી મારી દીધી
હતી અને જેફરસન પણ રવિભાઈને મારવા દોડતા રવિભાઈ કાર મૂકીને નાસી છૂટયો હતો અને આ બનાવ
અંગે વિદ્યાર્થી જેફરસને અન્ય વિદ્યાર્થીઓ અને મારવાડી યુનિ.ના પ્રોફેસરોને જાણ કરતાં
ગૌરીદડ ગામે દોડી ગયા હતા. આ બનાવનાં પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓએ
કારના કાચમાં ભારત દેશ વિશે અભદ્ર લખાણ લખ્યાના આક્ષેપો કર્યા હતા.
આ બનાવનાં
પગલે મારવાડી યુનિ.ના રજિસ્ટ્રાર પુનિત તેમજ કર્મચારી નિલેષ અડવાણી અને રોહિતભાઈ સહિતનાએ
આફ્રિકન વિદ્યાર્થીઓની પૂછતાછ કરતાં આવું કોઈ લખાણ નહીં કર્યાનું અને સમગ્ર ઘટનાનું
વીડિયો શૂટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ કરી હતી
અને વીડિયો જોતા તેમાં રવિભાઈની કારમાં પાછળના ભાગે કાચ પર ડોન્ટ મૂવ લખેલ દેખાયું હતું. અન્ય કોઈ લખાણ નહોતું. આગળના
કાચમાં એક સ્થાનિક કાકાએ અમુક લખાણ લખતા કેદ થયા હતા. જેમાં અભદ્ર જેવું લખાણ લખતા
જોવા મળ્યા હતા અને આ કાકાની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને વાહન સામસામે
આવી જવા જેવી નજીવી બાબતનો ગેરકાયદો ઉઠાવી ગ્રામજનો દ્વ ારા આફ્રિકન વિદ્યાર્થીઓને
ગામમાં નહીં રહેવા દેવા સહિતની બાબતે પલીતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યું હોવાનું
ખૂલ્યું હતું.
પોલીસની
વધુ તપાસમાં આ બનાવમાં ગ્રામજનો દ્વારા જ કારના કાચમાં લખાણ કરવામાં આવેલ હતા અને આફ્રિકન
વિદ્યાર્થીઓ વિરુદ્ધ મુદ્દાઓ ઉભા કરી શકાય. ગૌરીદડ ગામમાં ત્રણ વર્ષ પહેલાં ગ્રામજનો
અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને બાદમાં આફ્રિકન વિદ્યાર્થીઓને ગામમાં
મકાન ભાડે નહીં આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો અને મોટાભાગના વિદ્યાર્થીઓ રતનપર ગામમાં રહે છે. આ મામલે પોલીસે આફ્રિકન વિદ્યાર્થીને
બોલાવી પૂછતાછ કરી લેખિત અરજી લેવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીએ ફરિયાદ કરવાનો ઈન્કાર
કર્યે હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.