પહેલા ગુંડા મોકલ્યા, પછી પોલીસ
અને હવે ફર્જી તપાસનાં આદેશ, ભાજપ ગભરાઈ ગયો : કેજરીવાલ
નવી દિલ્હી, તા.28: દિલ્હીમાં
આમઆદમી પાર્ટીની સરકારની મહિલા સન્માન યોજના ઉપર ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ તપાસનાં
આદેશ આપી દીધા છે. જેનાં હિસાબે આપનાં સંયોજક અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર સામે ઉશ્કેરાઈ
ગયા છે અને આરોપ લગાવ્યો હતો કે, પહેલા ગુંડા, પછી પોલીસ અને હવે ફર્જી તપાસનાં આદેશ
આપવામાં આવ્યા છે. આ યોજનાથી ભાજપ હચમચી ગયો લાગે છે.
આ મામલામાં ઉપરાજ્યપાલે આજે મુખ્ય
સચિવ, ડિવીઝનલ કમિશનર અને પોલીસને પત્ર લખીને યોજનાની તપાસનો આદેશ આપ્યો હતો. જેની
સામે કેજરીવાલે કહ્યું હતું કે, અમે વચન આપ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ અમે મહિલાઓને
2100 અને 60 વર્ષથી અધિક ઉંમરનાં બુઝુર્ગોનો ઈલાજ મફત કરીશું. આ બન્ને યોજના જનતાનાં
હિતમાં હતી અને લાખો લોકોએ તેમાં નામ પણ નોંધાવી લીધા હતાં. જેનાથી ભાજપ ગભરાઈ ગયો
છે. એટલે પહેલા તેણે ગુંડા મોકલ્યા, પછી પોલીસ મોકલીને નામ નોંધણીના કેમ્પ ઉખાડી નાખ્યા
હતા અને હવે નકલી તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તો તપાસ થશે શેની? અમે વચન આપેલું
કે ચૂંટણી જીતીને આ યોજના લાગુ કરીશું. ભાજપે હવે તો સાબિત કરી દીધું છે કે, તે જનતા
માટે કંઈ કરવા નહીં બલ્કે બધું બંધ કરવા માટે ચૂંટણી લડી રહ્યો છે.