• રવિવાર, 06 જુલાઈ, 2025

મેઘ મહેર બને છે કહેર

સમગ્ર દેશમાં વરસેલા વરસાદથી રાહત અનુભવાય છે પરંતુ વરસાદનું ઘાતક સ્વરૂપ દેશના અનેક વિસ્તારમાં જોવા મળ્યું છે. હિમાચલ પ્રદેશ જેવો પર્વતીય ઈલાકો વધારે અસરગ્રસ્ત બન્યો છે. વાદળ ફાટવાની ઘટનાથી લઈને લોકોના મૃત્યુ સહિત બનાવો સતત બન્યા છે. જળવાયુ પરિવર્તન એટલે કે ક્લાઈમેટ ચેન્જની વિપરિત અસરો સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વર્ષે સરેરાશ કરતા વધારે વરસાદ પડવાની જે આગાહી હતી તે પણ સાચી પડી રહી છે. પર્યાવરણ રક્ષણના પગલા કાગળ ઉપરથી અમલી બનાવવામાં નહીં આવે તો વધારે માઠા પરિણામો ભોગવવા પૃથ્વી અને પૃથ્વીવાસીઓએ તૈયાર રહેવું પડશે તેવી હવામાન નિષ્ણાતોની વાત કમનસીબે સાચી પડતી દેખાઈ રહી છે.

અલનીનોના પ્રભાવથી ચોમાસું અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને આ સ્થિતિ છેલ્લા અડધા દાયકાથી છે. 2024ના વર્ષમાં પૂર, તોફાનને લીધે 54 લાખ લોકોનું સ્થળાંતર દેશભરના અલગ અલગ વિસ્તારમાં કરવું પડયું હતું. આ સ્થિતિ ગંભીર હતી. આ વર્ષે પણ વરસાદ એવો જ તીવ્રતાથી પડી રહ્યો છે.

હિમાચલ પ્રદેશનું સરેરાશ તાપમાન 1.6 ડિગ્રી વધી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ 16 જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની છે. મૃત્યુનો આંક વધી રહ્યો છે. હિમાચલ પ્રદેશની 58.36% જમીન માટી ધસી પડવાની સ્થિતિના જોખમમાં છે. 2023માં તો સરેરાશ કરતા 180% વધારે વરસાદ થયો હતો. દેશમાં સરેરાશ 165 મી.મી. વરસાદ પડવો જોઈએ તેના બદલે આ વર્ષે 180 મી.મી. એટલે કે 8.89% વધારે વરસાદ પડયો છે.

કોઈ રાજ્ય કે ક્ષેત્રમાં 20 થી 30 સ્ક્વેર કિલોમીટરમાં એક જ કલાકમાં 4 ઈંચથી વધારે વરસાદ વરસે તો વાદળ ફાટયું એમ કહેવાય છે. હિમાચલમાં આ સ્થિતિ વારંવાર સર્જાય છે. બીયાસ સહિતની નદીઓ ગાંડી થઈને વહી રહી છે. વરસાદ તારાજી સર્જી રહ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆતમાં સુરત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા પુરની સ્થિતિ સર્જાઈ હતી. હજી તો ચોમાસની શરૂઆત છે. સપ્ટેમ્બર સુધીમાં શું થાય તે જોવું રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક