નવી દિલ્હી, તા.4: ભારતીય બજાર નિયામક સંસ્થા સેબી દ્વારા ભારતીય શેરબજાર સંબંધિત એક મોટા આદેશમાં અમેરિકાની વિરાટ ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ ગ્રુપ અને તેનાં સંબંધિત કંપનીઓને ભારતીય શેરબજારમાં કારોબાર કરતી પ્રતિબંધિત કરી દીધી છે. આ કંપનીઓ ઉપર ભારતીય શેરબજારની ચાલને પ્રભાવિત કરીને 4843 કરોડ રૂપિયાનો અવૈધ નફો રળી લેવાનો આરોપ છે અને આ રકમ પણ તેની પાસેથી જપ્ત કરવામાં આવશે. સામે છેડે જેન સ્ટ્રીટ પોતાની સામેનાં આરોપોને નકારીને સેબી સામે કાનૂની લડતની તૈયારી દેખાડી રહી છે. જેન સ્ટ્રીટ ઉપરાંત તેને સંલગ્ન જેએસઆઈ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ., જેએસઆઈ-ટૂ, જેન સ્ટ્રીટ સિંગાપુર પ્રા.લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિમિટેડ હવે ભારતીય શેરબજારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ શેરની લે-વેચ કરી શકશે નહીં. આ કંપનીઓને ખોટી રીતે ભારતીય શેરબજારમાંથી કમાઈ લીધેલા 4843 કરોડ રૂપિયા ભારતની કોઈ માનય બેન્કમાં એક એક્રો ખાતામાં જમા કરાવી દેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ સીવાય જેન સ્ટ્રીટનાં બેન્ક ખાતા પણ સ્થગિત કરીને તેને કોઈપણ રકમ તેમાંથી ઉપાડવા સામે પણ રોક મૂકી દેવામાં આવી છે.