• રવિવાર, 06 જુલાઈ, 2025

દલાઈ લામાના ઉત્તરાધિકારી

ચીન સાથેના આપણા સંબંધ સુધરવાની આશા જાગી રહી છે ત્યારે એક નવો વિવાદ ભડકી ઊઠે એવા સંજોગો છે. દલાઈ લામાના અનુગામી-ઉત્તરાધિકારીની નિમણૂક થવાની તૈયારી છે ત્યારે ચીન કહે છે કે નવા દલાઈ લામાની પસંદગી અને નિમણૂક ચીન સરકાર જ કરી શકે. 1962માં ચીને ભારત ઉપર-હિમાલયમાં આક્રમણ કર્યું તે પહેલાં 1959માં તિબેટ ઉપર લશ્કરી પગલાં ભરીને કબજો મેળવ્યો હતો અને ત્યારે તત્કાલીન નાયબ વડા અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નેહરુને ચેતવ્યા હતા પણ ચીન ઉપર શંકા કરવા અને સાવધ રહેવા નેહરુ તૈયાર નહોતા! ચીની આક્રમણ પછી તિબેટી લોકોના પરમપૂજ્ય-સર્વોચ્ચ બૌદ્ધ લામા એમના અનુયાયીઓ સાથે ભારત તરફ આવવા નીકળ્યા. ચીની ફોજ એમની પાછળ હતી પણ દલાઈ લામાને રોકી શકે એમ નહોતી. આખરે દલાઈ લામા ભારતની  સરહદમાં પ્રવેશ્યા અને રાજ્યાશ્રય મેળવ્યો પણ એમને રાજકીય પ્રવૃત્તિ નહીં કરવા જણાવાયું તે અનુસાર માત્ર બૌદ્ધ ધર્મના લામા છે અને બિનરાજકીય પ્રવૃત્તિ કરે છે. તાજેતરમાં એમણે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી ત્યારે ચીને વિરોધ નોંધાવ્યો હતો, જેનો ભારતે અસ્વીકાર કર્યો છે.

તિબેટમાં દલાઈ લામાના ડેપ્યુટી પંચન લામા હતા - ચીને એમને કઠપૂતળી બનાવીને તિબેટી પ્રજા ઉપર શાસન ચલાવ્યું, પણ દાયકાઓથી પંચન લામા ‘ગાયબ’ છે.

અત્યારે દલાઈ લામાના ઉત્તરાધિકારી નીમવાની સત્તાનો દાવો ચીન કરે છે કારણ કે તિબેટી પ્રજા હજુ પણ દલાઈ લામાને પૂજે છે અને ચીનને ધિક્કારે છે.

ભારતમાં દલાઈ લામાએ ટ્રસ્ટ બનાવ્યું છે જેથી લામાની વ્યવસ્થા જળવાઈ રહે અને હાલના તિબેટ સહિત ચીનમાં જન્મેલું બાળક દલાઈ લામાનું સ્થાન મેળવે નહીં.

દલાઈ લામાને નોબેલ શાંતિ એવૉર્ડ મળ્યો છે પણ ચીન અને તિબેટમાં એમનું નામ લેવાની પણ મનાઈ છે. હવે એમના ઉત્તરાધિકારી શોધવાની પ્રક્રિયા શરૂ થઈ છે તે વર્તમાન લામા 14માના અવસાન પછી પણ જારી રહેશે. અગાઉના લામા પુનર્જન્મ લઈને અવતરે તેને શોધવાની - પરીક્ષણની અને પસંદગી પછી - બાલ્યાવસ્થાથી જ કઠોર તાલીમની વિશેષ વ્યવસ્થા હોય છે. વર્તમાન દલાઈ લામાના નેવું વર્ષની ઉજવણી-ઉત્સવ-ધર્મશાળામાં ઊજવાઈ રહ્યો છે. દેશ-વિદેશથી 600થી વધુ મહેમાનો પધાર્યા છે.

બીજી બાજુ બીજિંગમાં ચીની પ્રવકતાએ કહ્યું છે કે નવા લામાની પસંદગી-નિમણૂક ચીન સરકાર જ કરશે. મતલબ કે હવે બે દલાઈ લામા હશે. ભારતની કસોટી છે. ચીન સાથે સંબંધ સુધારવા છે પણ હવે ચીન વધુ દુશ્મની બતાવશે! આમ પણ તેનો ભરોસો કરી શકાય નહીં. ભારતની નૈતિક જવાબદારી દલાઈ લામાના હેમ-ખેમની છે. છ-સાત દાયકા સુધી સંભાળ્યા પછી પણ હવે જવાબદારી છોડાય નહીં. વળી, અમેરિકા અને યુરોપ પણ દલાઈ લામાના પક્ષમાં છે અને ધાર્મિક સ્વાતંત્ર્યને સ્વીકારે છે. અત્યારે વિશ્વમાં રાજદ્વારી સંબંધ બદલાઈ રહ્યા છે તેમાં ભારત ચીનને ખુશ કરવા નૈતિક જવાબદારીનો ભોગ નહીં આપે એવો વિશ્વાસ વ્યક્ત થાય છે.

 હાલ તુરંત તો ભારત ઉતાવળ નહીં કરે. ચીનના પ્રત્યાઘાત આવ્યા પછી ભારતની નીતિ - ફરીથી ચીન અને વિશ્વને જણાવશે. દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાત અંગે ચીનના વિરોધને  નકારીને ભારતે યોગ્ય સંદેશ આપ્યો જ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક