બ્રિસ્ટલ,
તા.2: ભારતીય મહિલા ટીમે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને ઇંગ્લેન્ડ સામેના બીજા
ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 24 રને સંગીન વિજય હાંસલ કર્યો હતો. જેમિમાહ રોડ્રિગ્સ અને
અમનજોત કૌરની અર્ધસદી ભારતની જીતમાં મુખ્ય રહી હતી. સતત બીજા વિજયથી હરમનપ્રિત કૌરની
ટીમ પ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થઇ છે. અમનજોતે ટી-20 કેરિયરની પહેલી અર્ધસદી કરીને
40 દડામાં અણનમ 63 રન કર્યાં હતા જ્યારે જેમિમાહે 41 દડામાં 63 રનની આકર્ષક ઇનિંગ રમી
હતી.
ભારતીય
મહિલા ટીમના 20 ઓવરમાં 4 વિકેટે 181 રનના જવાબમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમના 7 વિકેટે
1પ7 રન થયા હતા. જેમાં ટોમી બ્યૂમોંટના 3પ દડામાં પ4 રન મુખ્ય હતા. એમી જોન્સે 32 અને
સોફિયા એકલેસ્ટોને 3પ રન કર્યાં હતા. બ્રિસ્ટલ મેદાન પર ભારતની ઇંગ્લેન્ડ સામે આ પહેલી
જીત છે. ભારત તરફથી સ્પિનર શ્રી ચારણીને સર્વાધિક બે વિકેટ મળી હતી.
ભારતની
શરૂઆત નબળી રહી હતી. શેફાલી વર્મા ત્રણ, સ્ટાર સ્મૃતિ મંધાના 13 અને કપ્તાન હરમનપ્રિત
1 રને આઉટ થઇ હતી. આ પછી જેમિમાહ અને અમનજોત વચ્ચે ચોથી વિકેટમાં 93 રનની ઝડપી ભાગીદારી
થઇ હતી. બાદમાં અમનજોત અને વિકેટકીપર ઋચા ઘોષ વચ્ચે ડેથ ઓવર્સમાં પ7 રનની ભાગીદારી
થઇ હતી. ઋચાએ 22 દડામાં અણનમ 32 રન બનાવ્યા હતા. આથી ભારતીય મહિલા ટીમ 181 રનના મજબૂત
સ્કોર પર પહોંચી હતી.