ભારતના ઉપસેના પ્રમુખનો ખુલાસો : ચીને પાકિસ્તાનને લાઈવ ડેટા આપ્યો, હથિયારોનું પરીક્ષણ કર્યુ, તુર્કીયે પણ મદદગાર
નવી
દિલ્હી, તા.4 : ભારતના ઉપસેના પ્રમુખ લેફ.જનરલ રાહુલ આર.સિંહે ખુલાસો કર્યો છે કે ઓપરેશન
સિંદૂર દરમિયાન ચીન પાકિસ્તાનને ભારતની તૈયારીઓનો લાઈવ ડેટા આપી રહ્યું હતું. તેમણે
ભારત વિરુદ્ધ ચીન-પાકિસ્તાન-તુર્કીયેના ગઠબંધનને બેનકાબ કરતાં કહ્યું કે આ અભિયાનમાં
આપણે એક સરહદે જંગ લડતાં 3 વિરોધીને પરાસ્ત કર્યા હતા. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે
પાડોશીઓ સહિત દરેકને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પહેલાની જેમ હવે આતંકવાદી કૃત્યોને
સહન કરવામાં નહીં આવે.
ભારતીય
સેનામાં ક્ષમતા-વિકાસ તથા સંધારણ બાબતના ઉપપ્રમુખ લેફ.જનરલ રાહુલ આર.સિંહે વધુમાં કહયું
કે ઓપરેશન સિંદૂર વખતે ચીન પાકિસ્તાનને મદદ કરી રહયું હતુ અને ભારતની તૈયારીઓ ઉપરાંત
અગ્રીમ મોરચાની આપણી તૈનાતીના ઈનપુટ આપ્યા હતા. ફિક્કી દ્વારા આયોજીત ન્યૂ એજ મિલિટ્રી
ટેકનોલોજીસ કાર્યક્રમમાં બોલતાં કહયું કે જ્યારે ડીજીએમઓ સ્તરે વાતચીત ચાલી રહી હતી
ત્યારે પાકિસ્તાનને ચીન દ્વારા ભારતના મહત્ત્વપૂર્ણ વૈકટરો અંગે ઈનપુટ મળી રહ્યા હતા.
સંબોધનમાં
લેફ.જનરલે ચીન-પાકિસ્તાન-તુર્કીયે ગઠબંધનની પોલ ખોલતાં કહ્યંy કે આપણે એક સરહદ પર બે
વિરોધી અથવા ખરેખર તો ત્રણ સાથે જંગ લડી રહ્યા હતા. પાકિસ્તાન અગ્રીમ મોરચે હતું અને
ચીન પાસેથી સંભવ દરેક મદદ મેળવી રહ્યું હતું. પાકિસ્તાન પાસે 81 ટકા હાર્ડવેર ચીની
છે. આ અભિયાનમાં એક પ્રકારે ચીને પોતાના હથિયારોનું લાઈવ પરીક્ષણ અન્ય હથિયારો વિરુદ્ધ
કર્યુ હતુ. પાકિસ્તાન એક પ્રકારે પ્રયોગશાળા
તરીકે તેના માટે ઉપલબ્ધ હતું. તુર્કીયેએ પણ આ પ્રકારે મદદ આપવામાં મહત્ત્વની ભૂમિકા
ભજવી હતી. ભવિષ્યને ધ્યાને લઈ ભારતે ઈલેક્ટ્રોનિક વોરફેરને ધ્યાને લઈ પોતાની એર ડિફેન્સ
સિસ્ટમ વધુ મજબૂત કરવી પડશે.