• રવિવાર, 06 જુલાઈ, 2025

હિન્દીમાંથી હવે ગુજરાતી ઉપર આવ્યું મરાઠી રાજકારણ

ફરી શિવસેના વિરુદ્ધ શિવસેના: અમિત શાહની હાજરીમાં એકનાથ શિંદેએ ‘જય ગુજરાત’નો નારો લગાવતા રાજકારણ ગરમાયું

રાઉતે કહ્યું, હવે હિન્દી સાથે ગુજરાતી ય શીખવાની?

મુંબઈ, તા.4: મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ અને રાજનીતિ હવે ગુજરાતી ભાષા અને ગુજરાત ઉપર આવીને અટક્યા છે. મહારાષ્ટ્રમાં આજે જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેંશન સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ હતું અને એ વખતે સમારોહમાં બોલતા મહારાષ્ટ્રનાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ અમિત શાહનાં ભરપૂર વખાણ કરેલા. આખરે તેમણે એક નારો લગાવ્યો જેનાં કારણે મહારાષ્ટ્રનાં રાજકારણમાં નવું ઘમસાણ મચી ગયું હતું. શિંદેએ નારો લગાવ્યો હતો કે, ‘જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત’. જેની સામે શિવસેના(યુટીબી)  દ્વારા જોરદાર વાંધો લેવામાં આવ્યો છે.  શિવસેના-યુટીબીનાં નેતા કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, શિંદેએ આજે અમિત શાહ સામે જય ગુજરાતનો નારો લગાવ્યો છે. તો શું હવે અહીં હિન્દીની સાથે ગુજરાતી ભાષા પણ શીખવી પડશે? આ લોકો બાલાસાહેબ ઠાકરેને આદર્શ માનવાનાં ઢંઢેરા પીટે છે તો શું ક્યારેય તેમણે જય ગુજરાત કહ્યું હતું? શું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસી આવું બોલ્યા? તેમને પણ આ યોગ્ય નહીં લાગે.

આ પહેલા સમારોહને સંબોધતા શિંદેએ કહ્યું હતું કે, ગુજરાતી સમાજ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. અહીં કોઈ ચીજની કમી નથી કારણ કે તમે બધા લક્ષ્મીનું સંતાન છો. જે કાર્યનું વડાપ્રધાન મોદી ભૂમિપૂજન કરે તે ગતિથી પૂરું થાય છે. જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેંશન સેન્ટરનું ભૂમિપૂજમ મોદીએ અને લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ આપણાં માટે એક જ છે. આવનારા સમયમાં આ સેન્ટરનો વધુ વિસ્તાર પણ થશે. અમિત શાહ દેશને પ્રાથમિકતા માને છે અને પડકારને અવસર ગણે છે. નવા ભારતનાં નિર્માણમાં બન્નેનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે.

જો કે શિંદેનાં આ ભાષણ પછી મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ શિવસેનાની નવી લડાઈ છેડાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનાં નેતા સંજય રાઉતે શિંદેને અમિત શાહની નકલી શિવસેના કહીને હુમલો બોલાવ્યો હતો. રાઉતે કહ્યું હતું કે, ડુપ્લીકેટ શિવસેનાનો અસલી ચહેરો હવે પ્રકાશમાં આવ્યો છે. વિપક્ષ પહેલા પણ આરોપ મૂકતો આવ્યો છે કે, મહારાષ્ટ્રનાં વિકાસ માટે લાવવામાં આવેલા પ્રોજેક્ટને પણ ગુજરાત મોકલી દેવામાં આવ્યા છે. આવો માણસ મહારાષ્ટ્રનાં મંત્રીમંડળમાં કેવી રીતે હોઈ શકે? ચંપલથી મારો, હજારો મારો. આગળ તેમણે શિંદે ઉપર કટાક્ષ કરતાં સોશિયલ મીડિયામાં શાહ સેના પણ લખ્યું હતું.

દરમિયાન શિંદેની શિવસેના દ્વારા ઉદ્ધવનાં પક્ષ સામે જવાબી હુમલામાં ઉદ્ધવ ઠાકરેનો એક જૂનો વિડીયો પણ જારી કરવામાં આવ્યો હતો. 30 માર્ચ 2019નાં તે વિડીયોમાં ઠાકરે અમદાવાદમાં જય ગુજરાતનો નારો લગાવતા જોવા મળે છે. આગળ તેમાં લખવામાં આવ્યું હતું કે, કાં તો આ લોકો મૂર્ખ છે અથવા તો તકવાદી છે.

જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિંદેનાં નારાનો બચાવ કરતાં કહ્યું હતું કે, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે તેમણે જય મહારાષ્ટ્ર, જય કર્ણાટકનો નારો લગાવ્યો હતો. તો શું આનો અર્થ એવો થાય કે પવાર મહારાષ્ટ્રને ઓછો અને કર્ણાટકને વધુ પ્રેમ કરે છે?

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢ : બિલ્ડરના ઘરમાં ઘૂસી 7 લાખ રોકડા 3.50 કરોડના ચેક પડાવી લીધા પૈસાની લેતી-દેતી કારણભૂત : મારકૂટ કરનાર 4 સામે ફરિયાદ July 05, Sat, 2025